ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા – આ ત્રણ રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો ઝોન એટલે અટારી-પુના. અટારી-પુના કેન્દ્રના ડાયરેક્ટરશ્રી ડો. એસ. કે. રોય દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયા, રાજકોટની મુલાકાત કરવામાં આવી હતી. તેમણે કેન્દ્ર ખાતે કાર્યરત વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓ, પ્રાકૃતિક ખેતીની પ્રવૃતિઓ તેમજ વિવિધ યોજનાઓની પ્રવૃતિઓ અંગે જાણકારી મેળવી હતી. તેમણે વિવિધ યુનિટ જેવા કે પાક કૌતુકાલય, વર્મીકમ્પોસ્ટ યુનિટ, નાડેપ કમ્પોસ્ટ યુનિટ, એન્ટોમોફેગસ પાર્ક, રેઇન વોટર હાર્વેસ્ટિંગ યુનિટ, પોષણ વાટિકા, પ્રાકૃતિક ખેતી પ્લોટ, સૌર ઉર્જા પાર્ક, વરસાદી પાણીના સંગ્રહ માટે ખેત તલાવડી, આધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેનિંગ હોલ વગેરેની વિસ્તૃત માહિતી મેળવી હતી. તેઓ કે.વી.કે. ફાર્મ ખાતે વાવેલા બ્રીડર કક્ષાના ચણાના પાકની માવજત નિહાળીને પ્રભાવિત થયા હતાં અને ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
આ તકે જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન. જે. જાદવ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ. સી. છોડવડીયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – તરઘડિયાના વડાશ્રી ડો. જી. વી. મારવિયા, કૃષિ વૈજ્ઞાનિકો શ્રી ડો. જે. એચ. ચૌધરી, શ્રી ડી. પી. સાનેપરા, શ્રી હેતલબેન મણવર, ખેતીવાડી અધિકારીઓ શ્રી અનુપભાઈ ડાભી, શ્રી સહદેવભાઈ રાઠવા સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડિયાની યાદીમાં જણાવાયું છે.