Gujarat

કિશોરનું હૃદય ધડકતાં અટકી ગયું, CPR આપી પુનઃ ધબકતું કરાયું

ભુજની જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં કિશોરના લોહીમાં ડાયાબિટીક કિટોએસિડોસિસ (DKA) અર્થાત એસિડ અને તેને સંલગ્ન ઝેરીલા પદાર્થનું પ્રમાણ વધી જવાથી અનેક જટિલતાઓ સાથે એકાએક હૃદય ધડકતાં અટકી જતા ઇમરજન્સી અને મેડિસિન વિભાગના તબીબોએ તેને સી.પી.આર. આપી બચાવી લીધો હતો.

કચ્છના અંતરિયાળ વિસ્તારમાંથી સારવાર માટે આવેલા 16 વર્ષીય તરૂણના પેટમાં દુખાવાની ફરિયાદ હતી, ઉલટી, ઊબકા, શ્વાસ પણ ચડતો હતો. તેને આઈ.સી.યુ.માં સારવાર શરૂ કરી કરાઇ હતી. ડો.મોહિની શાહ અને ડો.સંકેત પટેલના જણાવ્યા અનુસાર, લોહીના રિપોર્ટ કરાવતા ડાયાબીટીક કિટોએસિડોસિસનું જણાયું તેને ટાઇપ વન ડાયાબિટીસનું નિદાન થયું.

સારવાર દરમિયાન કિશોરનું હૃદય એકાએક ધડકતા અટકી જતાં તબીબોએ સી.પી. આર.(CPR) આપવાનું શરૂ કર્યું સાથે સાથે તેને વેન્ટિલેટર ઉપર પણ મુકવામાં આવ્યો. સદનસીબે તબીબોની મહેનત લેખે લાગી અને હૃદય પુનઃ ધબકતું થયું હતું. 5 દિવસમાં ઉતરોતર સુધારો થતા દર્દીને ડિસ્ચાર્જ આપી દેવાની સાથે ભવિષ્યમાં આ રોગના કોઈ ચિહ્નો જણાય તો તબીબ નો સંપર્ક કરવા પણ જણાવાયું અને સુગર લેવલ વધે નહીં તે માટે માર્ગદર્શન આપ્યું.

ડાયાબિટીક કિટોએસિડોસિસ (DKA) શું છે ડાયાબિટીક કીટોએસિડોસિસ (DKA) એ ડાયાબિટીસ સંબંધિત એક શારીરિક સમસ્યા છે. શરીરમાં ઇન્સ્યુલિનની કામગીરી બગડવાને કારણે DKA થઈ શકે છે પરિણામે બ્લડ ગ્લુકોઝ (સુગર)નું સ્તર વધી જાય છે અને શરીરમાં ફેટનું વિઘટન થાય છે. ફેટના વિઘટનથી શરીરમાં કિટોન્સ નામના ઝેરી પદાર્થ બને છે.જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. નિયમિત ઇન્સ્યુલીન લેવાની દર્દીને ફરજ પડે છે.