પાટણ શહેરમાં આગામી ઉત્તરાયણનાં પર્વને લઈને શહેરમાં એક્તરફ જ્યારે ઠેરઠેર પતંગ દોરીની દુકાનો અને તંબુ-મંડપો ખડકાઈ રહ્યા છે ત્યારે પતંગ દોરીનાં સિઝનલ વ્યવસાય માટે શહેરનાં હાર્દસમા જૂનાગંજ બજારમાં હંગામી મંડપો ઉભા કરવા માટે 21 જેટલા વેપારીઓએ પાટણ નગરપાલિકાને બંધ કવરમાં ભાવો આપ્યા હતાં.
જે ભાવો પૈકી સૌથી ઊંચા રૂ 3000નો ભાવ આવતાં પાલિકાનાં પ્રમુખ હિરલબેન પરમારે તથા ઇ.બા.લાગત અધિકારી જયેશભાઈ પંડયા તથા સ્ટાફે તે અંગે ચર્ચા વિચારણા કરીને 13 વેપારીઓને જુનાગંજમાં જગ્યા ફાળવી છે. જેનાં કારણે પાટણ નગરપાલિકાને રૂા. 39000 ની આવક થવાની શક્યતા છે.
પ્રમુખ હિરલબેને આ વેપારીઓને કડક સૂચના આપી હતી કે, કોઇપણ વેપારીએ ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ કરી જાહેરનામાનો ભંગ થાય તે પ્રકારનો વેપાર કરવો નહિં. આ ઉપરાંત શહેરમાં જુના ગંજબજાર સિવાય શહેરનાં અન્ય વિસ્તારોમાં પણ જવાં નગરપાલિકાની જગ્યાઓમાં મંજૂરી વિના રાવટીઓ-તંબુઓ-મંડપો બાંધ્યા હોય તેવાઓ પાસેથી પણ જરૂરી લાગત લોવમાં આવે છે તેવી સૂચના પ્રમુખે વોર્ડ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને આપી હતી.