Gujarat

કાવઠ પાટીયા પાસે બાયડ પોલીસે ભારે વાહનોને અટકાવતા ત્રણ કિલોમીટરની સુધી લાઈનો લાગી

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી નડિયાદથી મોડાસાને જોડતો સ્ટેટ હાઇવે નંબર 59 પસાર થાય છે. આ માર્ગ પરથી રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ભારે વાહનો માલ સામાનની અવરજવર માટે નડિયાદ મોડાસાને જોડતા સ્ટેટ હાઇવે નંબર 59 પરથી પસાર થાય છે.

રવિવારે વહેલી સવારથી જ કાવઠ પાટીયા પાસે બાયડ પોલીસ દ્વારા બેરીકેટ મૂકી ભારે વાહનોને આ માર્ગ પરથી અવરજવર કરવા માટે રોકી દેવામાં આવ્યા હતા. જેને કારણે નડિયાદ તરફથી મોડાસા જતાં ભારે વાહનોને રોકી દેવામાં આવતાં ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગી હતી. જેને લઇ પરપ્રાંતીય વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

અચાનક અરવલ્લીના કલેક્ટરે એક મહિના માટે ઉપરોક્ત માર્ગ પરથી સવારના 8 થી રાત્રિના 8 કલાક સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવતાં કાવઠ પાટિયાથી કપડવંજ તરફના રેલીયા ચેકપોસ્ટ સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. જેને લઇ કેટલાક વાહનચાલકો નજીકમાં આવેલી હોટલો પર રોકાઈ ગયા હતા.

તો કેટલાક ભારે વાહનચાલકો પરત ફરી લાડવેલ ચોકડી અને ગોધરા તરફથી આંતરરાજ્યમાં પોતાના વાહનો લઈને જવા નીકળ્યા હતા. જેને લઇ વાહન ચાલકોમાં કલેકટરના ઓચિંતા જાહેરનામાને લઇ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ માર્ગ પર સવારના આઠથી રાત્રિના 8 સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઈ મારે 85 કિલોમીટર ફરીને જવું પડશે. જેનાથી વધુ ડીઝલ અને સમયની બરબાદી થશે.> રમનજીત સિંગ , વાહન ચાલક