Gujarat

પત્નીએ મોબાઈલ ચેક કરતા વોટ્સએપમાં મેસેજ મળતા પતિના આડા સંબંધનો ભાંડો ફૂટ્યો, પરિણીતા પર સાસરિયાઓએ પણ ત્રાસ ગુજાર્યો

નડિયાદ શહેરની 27 વર્ષિય યુવતીના લગ્ન જીવન ખુબ જ ટૂંકાગાળામાં ડામાડોળ પર આવી ગયું છે. સાસુ, સસરા, નણંદનો ત્રાસ સહન કરી રહેતી પીડીતાને પતિએ પણ દગો આપ્યો છે. પતિના અન્ય યુવતી સાથે આડા સંબંધે ગૃહસ્થ જીવનમાં ખુશીઓ વેરવીખેર કરી છે. પત્નીએ પતિનો મોબાઇલ ફોન ચેક કરતા વોટ્સએપમાં મેસેજ મળતા પતિના આડા સંબંધનો ભાંડો ફૂટ્યો હતો. આ બનાવ મામલે પીડીતાએ પોતાના પિયર નડિયાદમાં આવી મહિલા પોલીસ મથકે પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ શહેરમાં રહેતી 27 વર્ષિય યુવતીના લગ્ન વર્ષ 2021માં પંચમહાલ જિલ્લામાં કલોલ તાલુકાના વેજલપુર ગામે રહેતા યુવાન સાથે સમાજના રીતી રીવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પરિણીતા પોતાના સાસરે રહેવા આવી હતી. બે માસ જેટલુ સારી રીતે રાખ્યા બાદ પીડીતાને તેના સાસુ, સસરાએ ઘરના કામકાજ બાબતે બોલાચાલી કરતા હતા. તો વળી નંણદ પણ જ્યારે સાસરે આવતી ત્યારે ત્રાસ આપતી હતી. બીજી તરફ પતિ પણ દારૂની ટેવ વાળો હોવાથી નશામાં આવી મારઝૂડ કરતો હતો.

લાચાર બનેલી પરિણીતા જાય તો ક્યાં જાય, જોકે આવી સ્થિતિ વચ્ચે પરિણીતાને સારા દિવસો રહેતા તેણીએ એક દિકરીને જન્મ આપ્યો હતો. જે હાલ બે વર્ષની છે. દરમિયાન પતિનો બદલાયેલો સ્વભાવના કારણે પત્નીએ એક વખત પોતાના પતિનો મોબાઇલ ફોન ચેક કર્યો હતો. જેમાં વોટ્સએપ પર અન્ય યુવતીના મેસેજ હતા અને પતિ આ યુવતિ સાથે આડા સંબંધ ધરાવે છે તેવી જાણ થઈ હતી. જે મેસેજ વાંચતા પીડિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પતિની પોલ પકડાતા પતિએ છુટાછેડાની માગણી કરી હતી.

જ્યારે ગત 12 ઓક્ટોબર 2024ના રોજ પીડીતાનો પતિ એકાએક કોઈ કારમાં આવેલા વ્યક્તિઓ‌ સાથે બેસી નીકળી ગયો હતો. પીડીતાએ સાસુ, સસરાને આ બાબતે પુછતા તેમણે જણાવ્યું કે, તેને નશા મુક્ત કેન્દ્રમા મુકેલ છે. આ બાબતે પીડીતાએ ગત 17 ઓક્ટોબરના રોજ વેજલપુર પોલીસ મથકે અને એ બાદ ગતરોજ આ બાબતે નડિયાદ મહિલા પોલીસ મથકે પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ એમ 4 સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.