ખેડા જિલ્લાના સરકારી માળખામાં દબદબો ધરાવતી ખેડા જિલ્લા સહકારી સંઘની સંચાલક મંડળના સભ્યોની ચૂંટણી શનિવારે યોજાઇ હતી. જેમાં 5 બેઠક ઉપર 12 ઉમેદવારો માટે કુલ 254 મતદારોમાંથી 251 મતદારોએ મતદાન કરતા 98.81% મતદાન થયું છે. જોકે, સૌથી ચર્ચાસ્પદ માતર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપ પર ભરોસો ન હોવાનું કહીને સ્ટ્રોંગ રૂમ બહાર પહેરો ભરવા પોતાના અંગત માણસોને હાજર રાખવા માટે કલેક્ટર પાસે મંજુરી માંગી છે.
આગામી 7 જાન્યુઆરીએ મત ગણતરી થનાર છે, ત્યારે સ્ટ્રોંગ રૂમ પર 24 કલાક ખાનગી માણસો પહેરો ભરશે. ખેડા જિલ્લામાં સહકારી સંઘની રસાકસી ભરી ચૂંટણી મામલતદાર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માતરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, ભાજપના ઉમેદવાર ભગવતસિંહ પરમારે મતદાન કર્યું હતું. મતદાન સમયે માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો મોટા પ્રમાણમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવતાં જોવા મળ્યા હતા.
માતર બેઠક ઉપર 30 મતદારો પૈકી એક મતદાર મતદાન માટે કેન્દ્ર ઉપર આવ્યા ન હતા. ગેરહાજર રહેનાર મતદાર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના ગામ ભલાડાના હોવાનું જાણવા મળ્યું હતું. 30 મતદારોમાંથી 29 મતદારોએ સવારે 10:00 વાગ્યા સુધીમાં જ મતદાન કરી દીધું હતું, જ્યારે એક મતદાર માટે બપોરે 2.00 વાગ્યા સુધી રાહ જોવી પડી હતી, પણ તે મતદાન કરવા આવ્યા ન હતા. બપોરે 2:00 વાગ્યા પછી મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં મતદાન પેટીઓને સીલ કરીને નડિયાદ લાવવામાં આવી હતી. માતર સીટ ઉપર અપક્ષમાંથી દાવેદારી નોંધાવનાર માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનું જીત માટે પલ્લું ભારે હોવાની ચર્ચાઓ છે.
3 તાલુકામાં 100 ટકા મતદાન થયું ખેડા જિલ્લા સહકારી સંઘની શનિવારે 5 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 98.81 ટકા મતદાન થયું હતું. નડિયાદ બેઠક પર સૌથી વધુ 3 ઉમેદવાર મેદાનમાં હતા. નડિયાદ તાલુકાની બેઠક માટે નોંધાયેલા 75 મતદારોમાંથી 73 મતદારોએ મતદાન કર્યું હતું. માતર બેઠક પર કુલ 30 મતદારોમાંથી 29 મતદારોએ મતદાન કર્યું હતું. મહુધા તાલુકાની બેઠક માટે કુલ 42 મતદારોમાંથી તમામે મતદાન કરતાં 100 ટકા મતદાન થયું હતું. કઠલાલ તાલુકાની બેઠક માટે 33 મતદારોમાંથી તમામે મતદાન કરતાં 100% મતદાન થયું હતું. આ ઉપરાંત કપડવંજ તાલુકાની બેઠક પર કુલ 74 મતદારોમાંથી તમામે મતદારોએ મતદાન કરતાં ત્યાં પણ 100 ટકા મતદાન થયું છે. જેમાં કુલ 254 મતદારોમાંથી 251 મતદારોએ મતદાન કરતા 98.81% મતદાન થયું છે.
મહુધાના ઉમેદવાર પરેશ ચૌહાણે આક્ષેપ કર્યો હતો કે, હરીફ ઉમેદવાર અર્જુનસિંહ વાઘેલાને બલોલના નિલેશભાઈ પટેલ દ્વારા મતદાન મથકમાં ખુલ્લો બતાવી મત આપવામાં આવ્યો હતો. જે અંગે પરેશ ચૌહાણ દ્વારા જિલ્લા કલેક્ટરને ટેલીફોનીક રજુઆત કરવામાં આવી હતી.
અમારા પ્રતિનિધિઓ 24 કલાક પહેરો ભરશે મતદાન પેટીઓમાં છેડછાડ ન થાય, પેટીઓની અદલા બદલીઓ ન થાય, જેને લઇ સ્ટ્રોંગ રૂમની બહાર દેખરેખ માટે અમારા ચાર ઉમેદવાર વતી બે બે પ્રતિનિધિઓને રાત દિવસ હાજર રહેવા માટે જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવામાં આવી છે . > કેસરીસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્ય, માતર