Gujarat

નલિયામાં તાપમાન 6.2 ડિગ્રી તો ભુજમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું, વહેલી સવારે જાહેર માર્ગો ઉપર સન્નાટો જોવા મળ્યો

કચ્છ જિલ્લામાં પવનના જોરે ઠારની તિવ્રતા વધતા ફરી ઠંડી સક્રિય બની ગઈ હોય તેમ માહોલમાં ટાઢડું છવાઈ ગયું છે. ભુજ શહેરમાં ન્યૂનતમ તાપમાનનો પારો સવારમાં મોડે સુધી 11 ડીગ્રી યથાવત્ રહેતા શહેરીજનોને શીત લહેરનો અનુભવ થઇ રહ્યો છે. જેને લઈ લોકો ગરમ વસ્ત્રો પહેરેલા જોવા મળી રહ્યા છે.

પરોઢના સમયે શહેરના જાહેર માર્ગો ઉપર ઠંડીના કારણે સન્નાટો જોવા મળ્યો હતો. એકલ દોકલ રિક્ષાઓ સિવાય માર્ગો ખાલી દેખાયા હતા. જ્યારે કચ્છની ટોચે આવેલા નલિયામાં આજે પણ ન્યૂનતમ તાપમાન 6.2 ડિગ્રીએ સિંગલ ડિજિટમાં નોંધાયેલું રહ્યું હતું. શીત મથક નલિયા રાજ્યમાં સૌથી ઠંડા મથકમાં આજે પણ મોખરાના સ્થાને જળવાઈ રહ્યું હતું.

કચ્છમાં આ વખતે શિયાળાની જમાવટ છેક નવેમ્બર માસની આખરમાં થઈ હતી અને ત્યારબાદ વાતાવરણમાં સતત ઠંડક વર્તાઈ હતી. ભારે ઠંડીના કારણે લોકો સાથે પશુ પક્ષીઓ ઉપર પણ ઠંડીની અસર દેખાઈ હતી. દરમિયાન થોડા દિવસની રાહત બાદ ભુજ સહિત જિલ્લામાં શીતળતા છવાઈ જતા લોકોને ઠંડકનો અનુભવ થયો હતો. સવારે સૂર્ય નારાયણના આગમન સાથેજ પ્રકૃતિ ખીલી ઉઠી હતી.