બી.એ.પી.એસ સંસ્થાના ગુરુ મહંતસ્વામી મહારાજના સંકલ્પ સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સહકારથી તાલુકાના હરિભક્તો – દર્શનાર્થીઓ સરળતાથી પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાન, ચાણસદ ખાતે દર્શનયાત્રાનો લાભ લઈ શકે તેવા આધ્યાત્મિક હેતુ સાથે 6 જાન્યુઆરી 2025 થી રોજ મહેળાવ બસ સ્ટોપ ખાતેથી બસ સેવાનો પ્રારંભ કરાયો છે.
સ્વામિનારાયણ સંપ્રદાયની બે સંત વિભુતીઓના જન્મસ્થળની મુલાકાત લઇ હરિભક્તો દર્શનનો લ્હાવો લઇ શકે તેવા શુભ આશયથી બી.એ.પી.એસ સંસ્થાના આદ્ય સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન મહેળાવથી સંત વિભૂતિ પ્રમુસ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ સુધી એસટી વિભાગ દ્વારા બસ સેવાનો પ્રારંભ કરાયો છે.
આ બસ દરરોજ સવારે 09:05 કલાકે મહેળાવ થી નીકળી ચાણસદ પહોંચશે અને સવારે 11:10 કલાકે ચાણસદથી નીકળી મહેળાવ પરત ફરશે. આ બસ વિસ્તારના દર્શનાર્થીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. આ પ્રસંગે બી.એ.પી.એસ મહેળાવ મંદિરના કોઠારી પૂજ્ય ગુણનિધિદાસ સ્વામી તથા વિશ્વવંદનદાસ સ્વામી સહિત આગેવાનો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.