Gujarat

એક પતંગ બનાવવા માટે 7 કારીગરો અને 3 મિનિટનો સમય, નડિયાદની પતંગોની દેશભરમાં માંગ

નડિયાદ શહેરમાં પતંગ નિર્માણનો વ્યવસાય ધમધમી રહ્યો છે, જ્યાં લગભગ 500 પરિવારો આ પારંપરિક કળા સાથે જોડાયેલા છે. એક પતંગ બનાવવાની પ્રક્રિયામાં સાત અલગ-અલગ કારીગરોનો હાથ હોય છે અને આ સમગ્ર પ્રક્રિયા માત્ર 2-3 મિનિટમાં પૂર્ણ થાય છે. પતંગ બનાવવા માટે વિશેષ પ્રકારના હલકા વજનના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે, જે પતંગને આકાશમાં સરળતાથી ઉડવામાં મદદ કરે છે.

નડિયાદ અને ખંભાત ગુજરાતના પતંગ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો તરીકે ઓળખાય છે. આ વ્યવસાય દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચથી શરૂ થઈને ઉત્તરાયણ સુધી ચાલે છે. આ વર્ષે ખાસ કરીને ફ્રેન્સી પતંગોનું ચલણ વધ્યું છે, જે યુવા પેઢીમાં વિશેષ લોકપ્રિય બની રહી છે. નડિયાદની પતંગોની માંગ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાં પણ જોવા મળે છે. આ ઉદ્યોગમાં મહિલાઓ પણ સક્રિય ભૂમિકા ભજવી રહી છે, જે ઘરેલુ ઉદ્યોગ તરીકે પતંગ બનાવવાની પ્રક્રિયામાં યોગદાન આપે છે.

સ્થાનિક કારીગર મલેક અક્રમભાઈ, જેઓ છેલ્લા 10 વર્ષથી પતંગનું કારખાનું ચલાવી રહ્યા છે, તેમના જણાવ્યા અનુસાર દરેક પતંગ માટે ચોક્કસ માપદંડો અને વજનનું ધ્યાન રાખવું આવશ્યક છે. કાચુ મટીરીયલ રીલ આવે કાળગના એ બાદ કટીંગ કરીએ સાઈઝ પ્રમાણે એ પછી પતંગની સાઈડમાં દોરી વાગતી હોય છે. આટલી પ્રક્રિયા પુરી થયા બાદ વચ્ચેની લાકડી વાગે એ બાદ કમાન ચઢે અને ત્યારબાદ બાદ ચાર પટ્ટી તેમજ પત્તુ વાગે આ તમામના કારીગરો અલગ અલગ હોય છે એટલે એક પતંગ ઓછામાં ઓછા 7 કારીગરોના હાથમાં ફરે તે બાદ પતંગ બનતી હોય છે. એક પતંગ પાછળ ઓછામાં ઓછી 2-3 મીનીટનો સમય લાગતો હોય છે. વાતાવરણની કોઈ ઈફેક્ટ પડતી હોય છે કેમ તે બાબતે તેમણે જણાવ્યું કે, કાગળનું કામ છે એટલે ચોમાસાની સિઝનમાં ઘણી તકલીફો પડે, ભેજના કારણે પણ ઘણીવખત કાગળ નકામો બને છે જે નુકશાની હોય છે. તેમણે વધુમાં કહ્યું કે, પતંગો બનાવવા અમે અંદાજે ફેબ્રુઆરી, માર્ચમાં કામગીરી આરંભી દઈએ છીએ જે ઉત્તરાયણના દિવસ સુધી ચાલે છે. વેપારી મજૂરી પર કામ આપે જે અમે કરીએ છીએ.

‘પુના-દિલ્હીથી કાગળો અને કલકત્તાથી લાકડીઓ લાવીએ’

પતંગ કારીગર મલેક સફીમીયાએ  સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ પતંગોનો મારે જુનો વ્યવસાય છે મારા કાકાએ મને શીખવાડ્યું હતું. આ પતંગો માટે પુના-દિલ્હીથી કાગળો લાવવામાં આવે છે, કલકત્તાથી પતંગના કમાન માટે લાકડીઓ લાવીએ છીએ, અહીયાના વેપારી મંગાવે અને એ લોકો પાસેથી અમારે ખરીદી કરવાની હોય છે. નડિયાદમાં 20 ટકા લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મહિલાઓ ઘરે બેસીને પતંગ બનાવવાનુ કામ કરે છે. જેથી આ વ્યવસ્યાથી અનેકને રોજગારી પણ મળી રહી છે અનેક પ્રકારની પતંગો આવે છે જેમકે, પીવીસી, રોકેટ હોય એમ અલગ અલગ પ્રકારની પતંગો આવે છે.

‘અમે દૈનિક 3થી 5 હજાર પતંગો બનાવીએ છીએ’

પતંગના વેપારી ફારૂકહુસેન મલેકે દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારા હાથ નીચે પતંગ બનાવવા માટે 15 જેટલા કારીગરો છે. જેમાં કમાન ચઢાવવા માટે, કટીંગ કરવા માટે, પટ્ટી લગાવવા માટે અલગ અલગ કારીગરો હોય છે, બધાની કામગીરી વહેચેલી હોય છે. અત્યારે અમે દૈનિક 3થી 5 હજાર પતંગો બનાવીએ છીએ. આ વખતે આ વ્યવસાયમાં તેજી છે. નડિયાદમાં અંદાજે 400-500 પરિવારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવી રહ્યા છે.

‘નડિયાદી ચીલ આખા ગુજરાતમાં ફેમસ પતંગ’ વધુમાં તેમણે કહ્યું કે, ચાલુ વર્ષે પતંગ રસિયાઓ નડિયાદી ચીલ તેમજ ફેન્સી પતંગની બજારમાં વધારે માંગ છે. નડિયાદી ચીલ આખા ગુજરાતમાં ફેમસ પતંગ છે, અમદાવાદી ઢાલ, ખંભાતી, ફોટો પ્રિન્ટ પતંગ વગેરેની બોલબાલા છે. જોકે યંગ જનરેશન મોટે ભાગે પતંગોમા યુનિક શોધતી હોય છે એટલે ફેન્સી પતંગની બોલબાલા આ વર્ષે વધુ છે. નડિયાદમાં બનેલી પતંગો ગુજરાતના ખુણે ખુણે વેચાય છે અને તેનો સિમાડો ગુજરાત સુધી સિમિત ન રહેતા ગુજરાત બહાર એટલે કે, રાજસ્થાન, મહારાષ્ટ્ર ખાતે પણ નડિયાદમા બનેલી પતંગો વેચાણ અર્થે જાય છે.