Gujarat

કટલરીની દુકાનમાંથી રૂ.19,800ની કિંમતના 165 ગ્લુ બોર્ડ જપ્ત, વેપારી સામે ગુનો દાખલ

પાટણ શહેરમાં એસ.ઓ.જી. પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં સિદ્ધપુર ચાર રસ્તા નજીક આવેલા તિરૂપતિ બજારની એક કટલરીની દુકાનમાંથી પ્રતિબંધિત ગ્લુ ટ્રેપ બોર્ડનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે દુકાનમાં તપાસ કરતાં “ARBUDA POWER LEAF MOUSE RAT Glue Board”ના બે બોક્સમાંથી કુલ 165 નંગ ગ્લુ ટ્રેપ બોર્ડ મળી આવ્યા હતા.

એક ગ્લુ બોર્ડની કિંમત રૂ.120 મુજબ કુલ રૂ.19,800ની કિંમતનો આ પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉંદરોના ઉપદ્રવને નાથવા માટે વપરાતા આ ગ્લુ ટ્રેપ બોર્ડના ઉપયોગ અને વેચાણ પર પાટણ જિલ્લા કલેક્ટરે જાહેરનામા દ્વારા પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રકારનો જથ્થો પાટણમાં પ્રથમ વખત જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે દુકાનદાર સામે ભારતીય ન્યાય સંહિતા-2003ની કલમ-223 હેઠળ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહી દર્શાવે છે કે સ્થાનિક વહીવટી તંત્ર પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે.