પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 10 જાન્યુઆરી 2025ના રોજ વિશ્વ હિન્દી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં 500થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેન્ટરના કમ્યુનિકેશન મેનેજર ઉજ્જવલ કુમારે વિદ્યાર્થીઓને હિન્દી ભાષાનું વૈશ્વિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે હિન્દીને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી, સાંસ્કૃતિક અને સંદેશાવ્યવહારની ભાષા તરીકેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

કાર્યક્રમમાં “હિન્દી: એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો વૈશ્વિક અવાજ” થીમ પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે, હિન્દી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે અને તે માત્ર સંદેશાવ્યવહારનું માધ્યમ જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને વૈશ્વિક આર્થિક ગૌરવનું પ્રતીક પણ છે.


