લલ્લુભાઈનો શેઠનો જન્મ ૧૯૧૬ માં કાનાતળાવ મકામે થયો હતો. તેમના પિતાનું નામ મોતીચંદ શેઠ અને માતાનું નામ જેકોરબેન હતું. બાળપણથી જ લલ્લુભાઈને નવું નવું જાણવાની વૃતિ અને દેશ માટે કંઈક કરવાની લગની હતી. વિદ્યાર્થીકાળથી વ્યાયામની પ્રવૃતિમાં વિશેષ રસ હતો. તેઓ શાળામાં આંબલી પીપળી, મોઈ દાંડિયા અને અંગકસરતની રમતોમાં ભાગ લેતા હતા. લલ્લુભાઈ બાળપણના મિત્ર અમુલખભાઈ ખીમાણી હતા. લલ્લુભાઈ , અમુલખભાઈ અને બીજા મિત્રો મળીને બાલમિત્ર મંડળની સ્થાપના કરી હતી.
જેનો હેતુ સામાજિક, સાંસ્કૃતિક અને બાળ કેન્દ્રીય પ્રવૃતિઓને સમાજ સમક્ષ લાવવાનો હતો. લલ્લુભાઈ અને મિત્રોએ એકવાર નક્કી કર્યું કે ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી મિતિયાળા જંગલમાં શિકાર અર્થે આવ્યા છે, તો તેમની સામે અંગકસરતના ખેલ રજૂ કરીએ અને મહારાજને ભુંદરાવાડી એટલે હાલ વ્યાયામ મંદિર (અખાડો) ની જગ્યા માંગી. મહારાજાએ સાવરકુંડલા બાલ મિત્રમંડળના અંગ કસરતના ખેલ જોઈ ખુશ થઈને વ્યાયામ મંદિરની જગ્યા લલ્લુભાઈ અને મિત્ર મંડળને આપવામાં આવી.
ઈ.સ. ૧૯૩૦માં આઝાદીની લડાઈ ચાલતી હતી એ દરમિયાન રાજકોટથી મોહનલાલ મહેતા અને વજુભાઈ શાહ સાવરકુંડલા આવ્યા હતા. આ બંને નેતાઓએ યુવાનોને રાષ્ટ્રીયતા અને દેશપ્રેમના પાઠ ભણાવ્યા. તેનાથી પ્રભાવિત થઈ મીઠાં સત્યાગ્રહમાં ઈ.સ.૧૯૩૦માં ચૌદ વર્ષની ઉંમરે ઘરેથી ભાગી જઈને લલ્લુભાઈ અને કાંતિલાલ મહેતા ધોલેરા સત્યાગ્રહમાં જોડાયા, ચૌદ વર્ષના બાળક લલ્લુભાઈને જોઈ રસિકલાલ પરીખ, દેવીબેન પટ્ટણી, બળવંતભાઈ મહેતા, વિસ્મય સાથે આનંદિત થયાં. માતા પિતા અને કુટુંબીજનો તેમને પકડી અને ઘેર લાવતા હતા ત્યાંથી રાત્રે ઢસા સ્ટેશનથી પાછા ભાગી ગયા. મીઠાં સત્યાગ્રહમાં લીંબડી પહોંચ્યા. લીંબડીમાં સ્વાતંત્ર્ય સૈનિકો પર અનેક અત્યાચારો કરવામાં આવ્યા. લલ્લુભાઈની નાની ઉંમર હોવાથી છોડી મકયા. લલ્લુભાઈ હિંમત હાર્યા નહિ અને સ્મશાનમાં રાત્રિ રોકાણ કર્યું.
ત્યારબાદ ઘોઘા સત્યાગ્રહમાં જોડાયા અને ત્યાં પકડાયા. લલ્લુભાઈને બે ગુના બદલ ત્રણ-ત્રણ મહિનાની એમ છ માસની સજા થઈ, જેલમાં પરિવારના સભ્યોએ સમજાવ્યા પણ ન માન્યા જેથી સાબરમતી જેલમાં અનેક યાતનાઓ કરવામાં આવી. સાબરમતી જેલમાંથી છૂટયા એટલે તેમને પોલીસ કુંડલા મૂકી ગઈ. ત્યાં તેમને નજર કેદમાં રાખવામાં આવ્યા. ઈ.સ.૧૯૩૪માં લોકો માટે જરૂરી વસ્તુઓ માટે જવાહર ભંડાર શરૂ કર્યો. ઈ.સ. ૧૯૩૮માં ગાંધીજીએ રાજકોટમાં વિરાવાળા સામે સત્યાગ્રહની લડત ઉપાડી જેમાં લલ્લુભાઈ અને મિત્રમંડળ જોડાયું. ૧૯૪૨ની હિન્દ છોડો લડતમાં ભાગ લીધો. લલ્લુભાઈ ઈ.સ. ૧૯૪૪માં નિર્મળાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. ઈ.સ. ૧૯૪૬ માં કંડલા ગ્રામ સેવા મંડળની સ્થાપના કરી.
ઈ.સ.૧૯૪૭માં ભારત આઝાદ થતાં સાવરકુંડલા બાજુમાં આવેલ ગાધકડા જૂનાગઢ રાજયમાં આવતું. રતુભાઈ અદાણીએ લલ્લુભાઈ અને અમુલખભાઈને સંદેશો મોકલ્યો કે “ગાધકડા ગામને ભારતસંઘ સાથે જોડવું છે”. લલ્લુભાઈએ નવાબનો ખાસ વફાદાર નુરમામદને પકડી લીધો આમ ગાધકડામાં આરજી હકૂમતનો ઝંડો લહેરાયો અને ગાધકડા ભારત સંઘ સાથે જોડાયું.
શ્રી લલ્લુભાઈ શેઠે સાવરકંડલામાં બાલમંદિરથી લઈ કોલેજ સુધી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી. સ્વ.મનુભાઈ પંચોળીએ લલ્લુભાઈને બિરદાવતાં કહયું હતું કે શ્રી લલ્લુભાઈએ સાવરકુંડલામાં રચનાત્મક પ્રવૃતિઓના માધ્યમથી વિદ્યામંદિરોના આંબાઓ રોપ્યા છે.
‘શ્રી લલ્લુભાઈની રાજકીય પ્રવૃતિમાં લોકકલ્યાણ છુપાયેલું હતું. ૧૯૫૨, ૧૯૭૫, ૧૯૯૦ આમ ત્રણ વખત સાવરકુંડલાનાં ધારાસભ્ય રહ્યા હતા. ૧૯૭૫ થી ૧૯૮૦ દરમિયાન જનતા સહકારમાં પુરવઠા મંત્રી રહ્યા હતા. પ્રધાન હોવા છતાં ૭૬ વર્ષની વયે એસ.ટી.માં મસાફરી કરતા. નિયમિત પૂનમ મીટીંગમાં હાજરી આપવા જતાં હતા. સાવરકુંડલામાં લલ્લુભાઈની સ્મૃતિમાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર કાર્યરત છે. જેમાં તમામ મેડિકલ સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે.’ શ્રી લલ્લુભાઈ શેઠે ગાંધી વિચાર, ખાદી કામ અને રચનાત્મક પ્રવૃતિઓના માધ્યમથી સતત તાલુકાની જ જનતાની સુપેરે સેવા કરી હતી. શ્રી લલ્લુભાઈ શેઠ ઈ.સ. ૧૯૯૨ માં ગાંધી નિર્વાણ દિવસે મૃત્યુ પામ્યા ત્યારે લોકોએ પોતાના પ્રિય નેતાને અશ્રુભીની આંખે વિદાય આપી હતા
—સંકલન બિપીનભાઈ પાંધી સા.કુ.
–પ્રસ્તુતિ મનીષભાઈ બી. વિંઝુડા, સાવરકુંડલા.
બિપીન પાંધી સાવરકુંડલા