હળદરના એક છોડમાંથી ૫૦૦ થી ૭૦૦ ગ્રામ જેટલી ઉત્પાદન મળશે – વદિયાભાઈ
છોટાઉદેપુર તાલુકાના વિજોલ ગામના પ્રાકૃતિક ખેતી કરતા રાઠવા વદિયાભાઈ જણાવે છે કે, પહેલા અમે રાસાયણિક ખેતી કરતા હતા. વર્ષ ૨૦૧૧-૧૨થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ સજીવ અને ઓર્ગેનિક ખેતી કરી હતી. વર્ષ ૨૦૧૯ થી પ્રાકૃતિક ખેતી કરવાનું મે શરૂ કર્યું હતું . પ્રાકૃતિક ખેતીમાં ઉનાળુ પાકમાં અડદ અને મગ, ચોમાસુ પાકમાં સોયાબીન, ડાંગર લીધો હતો.શિયાળુ પાકમાં મકાઈ, હળદર, મરચા, ભીંડાનું વાવેતર કર્યુ છે .
વદિયાભાઈએ બિયારણ માવજતની વાત કરતા કહ્યું કે હું સૌ પ્રથમ બિયારણને બીજામૃતનું પટ આપી વાવણી કરું છું,વાવણી વખતે પાયાની અંદર ઘનજીવામૃત આપું છું. ૪૦ દિવસ પછી જીવામૃત આપું છું. પાકમાં જીવાતની શરૂઆત થાય ત્યારે પ્રાકૃતિક જીવાત માટેના આયામો જેવા કે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરું છુ.
તેઓ જણાવે છે કે, ગત વર્ષે ઉનાળુ પાકમાં મકાઈનો પાક કર્યો હતો જેમાં ચાર કિલો બિયારણ વાપર્યું હતું અને ૪૦ થી ૪૫ મણ મકાઈનું ઉત્પાદન થયું હતું. અંદાજે ૫૫ હજારની આવક મેળવી હતી. ચોમાસામાં સોયાબીન વાવ્યા હતા જેમાં ૧૬૦૦ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. તેની સામે ૩૫ થી ૪૦ હજારની આવક મેળવી હતી. શિયાળુ પાકમા હળદરની ખેતી કરી છે જેમાં એક છોડે ૫૦૦ થી ૭૦૦ ગ્રામ જેટલી હળદરનું ઉત્પાદન મળશે. હળદર સુકવ્યા બાદ હળદરનું વજન ૩૦૦ થી ૪૦૦ ગ્રામ થાય છે. હળદર બે ક્યારીમાં કરી જેમાંથી ૧૦ થી ૧૨ મણ જેટલું ઉત્પાદન મળશે. પોણા એકરમાં મકાઈ વાવી છે જેનું અંદાજે ૩૦ થી ૪૦ મણ ઉત્પાદન મળશે. મારા ઉત્પાદન થયેલ પાકોનું વેચાણ હું જાતે કરું છું અને વધારાનું છે તે કૃષિ મહોત્સવ અને અન્ય પ્રોગ્રામોમાં સ્ટોલ લગાવી વેચાણ કરું છું.
મારી પાસે ચાર દેશી ગાયો છે સરકાર દ્વારા દેશી ગાય નિભાવ ખર્ચ માટે મહિને ૯૦૦ રૂપિયાની સહાય મળે છે જેનો ગાયના નિભાવ માટે ખર્ચ કરું છું.ગાયના મળમૂત્રમાંથી ઘનજીવામૃત, બીજામૃત, જીવામૃત, દશપર્ણીઅર્ક, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ખાટીછાશ, ગૌમુત્ર અને અજમાસ્ત્ર જેવા આયામો બનાવું છું. જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું ગૌમુત્ર ૧૦ લીટર, ગોબર ૧૦ કિલો, એક કિલો ગોળ. એક કિલો બેસન અને ૫૦૦ ગ્રામ રાફડાની માટી અથવા વડ નીચેની માટી લઉં છું. ૨૦૦ લીટરના આ મિશ્રણને મિક્સ કરી સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવાનું છે અને સાતથી આઠ દિવસમાં તૈયાર થઈ જાય છે.
બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીના આયામો વાપરતા થાય જેનાથી ઉત્પાદન સારું મળે, જમીન સુધરે, અળસીયા વધે અને જમીનનું સ્વાસ્થ્ય બને છે. એનાથી ઉત્પાદિત વસ્તુઓ ખાવાથી આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે. પ્રાકૃતિક ખેતીના ઘણા ફાયદાઓ છે જેથી બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી અરજ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર