Gujarat

અદાણી પોર્ટ દ્વારા વારંવાર સ્થળાંતર, માળખાકીય સુવિધાઓના અભાવે પરેશાન

મુન્દ્રા તાલુકાના કુતડી બંદર અને ટુન્ડાવાંઢ વિસ્તારમાં છેલ્લા 100 વર્ષથી પરંપરાગત માછીમારી કરતા 650 પરિવારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ દ્વારા આ માછીમારોને વારંવાર સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. પહેલા મુન્દ્રા તાલુકાના આઈસલેન્ડથી નવીનાલ કાંઈવાડી ડ્રીક અને ત્યાંથી શેખરણપીર કુતડી બંદર પર સ્થળાંતર કરાયા છે.

કંપની દ્વારા 7 વર્ષ પહેલા પીવાનું પાણી, મોબાઈલ મેડિકલ વાન, એમ્બ્યુલન્સ જેવી પાયાની સુવિધાઓ આપવાનું વચન અપાયું હતું, જે આજદિન સુધી પૂરું કરવામાં આવ્યું નથી. ઉલટાનું, માછીમારોના ઉપયોગ માટેના રસ્તાઓ 14-15 વખત તોડી નાખવામાં આવ્યા છે, જેની ફરિયાદ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

ભોપાવાંઢ ગામથી 6-7 કિલોમીટર દૂર રહેતા આ માછીમારો છેલ્લા 40-50 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરે છે. તેમના પર મૂકવામાં આવેલા નશીલી દવાઓના વેપાર અને અસામાજિક પ્રવૃત્તિઓના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. આ મુદ્દે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ પણ માછીમારોને સમર્થન આપ્યું છે. માછીમાર સમુદાય તંત્ર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે.