બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે મોટો જથ્થો પકડાયો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે પાલનપુર તાલુકા વિસ્તારમાં સફળ કાર્યવાહી કરી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે ચિત્રાસણીથી બાલારામ જતા રોડ પર બાલારામ રિસોર્ટની પાછળ નદીના રસ્તે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક ફોરચ્યુનર કાર અને તેનું પાયલોટિંગ કરતી બ્રેઝા કાર આવી પહોંચી હતી. પોલીસને જોઈને બંને વાહનોના ચાલકો ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા.
ફોરચ્યુનર કારની તપાસ કરતા તેમાંથી વગર પાસ-પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરની 76 પેટી મળી આવી હતી. જેમાં કુલ 2,736 બોટલ/ટીન હતા, જેની કિંમત ₹3.41 લાખ છે. બંને વાહનો સહિત કુલ ₹20.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ફરાર થયેલા આરોપીઓ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

