રાપર પોલીસે ગુનાખોરી પર અંકુશ મેળવવા મોટી કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન એક જ રાતમાં 23 ગુના નોંધાયા અને 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે તાલુકાના 44 જેટલા સ્થળોએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં પ્રોહિબિશનના 17 કેસ, મકાન ભાડુઆત જાહેરનામા ભંગના 4 કેસ નોંધાયા હતા. વધુમાં, 6 બુટલેગરો પર રેઇડ કરવામાં આવી અને 12 વાહનો ડિટેઇન કરાયા હતા. પોલીસે 34 એનસી કેસ નોંધ્યા અને વાહનધારા હેઠળ રૂ. 8,400નો સ્થળ દંડ વસૂલ્યો હતો.
આ વિશેષ ડ્રાઈવમાં 38 એમસીઆર, 9 એચએસ, 4 જાણીતા જુગારી અને 28 વાહનોની તપાસ કરવામાં આવી હતી. કુલ 20 શંકાસ્પદ વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ડીવાયએસપી, પીઆઈ, 6 પીએસઆઈ સહિત કુલ 81 પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો.
પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે લાઠી, વ્હિસલ, હેલ્મેટ અને ટોર્ચ લાઈટ જેવા સાધનોનો ઉપયોગ કરીને આ સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી સાંજથી રાત્રે 11 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં ચોરી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોના મકાનોની તપાસ કરવામાં આવી હતી.