Entertainment

૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી સાથે સંબંધિત કેસમાં લુધિયાણાની એક કોર્ટે સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું

અભિનેતા સોનુ સૂદ ની તકલીફોમાં વધારો થયો છે, સોનુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે.

આ કેસ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્નાએ મોહિત શુક્લા નામના એક વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને નકલી રિજિકા સિક્કામાં રોકાણ કરવા માટે લલચાવવામાં આવ્યા હતા. સોનુ સૂદને જુબાની માટે કોર્ટમાં બોલાવવામાં આવ્યો હતો. જાેકે, જ્યારે તે કોર્ટમાં હાજર ન થયો, ત્યારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે અભિનેતા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.

કોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “સોનુ સૂદને સમન્સ અથવા વોરંટ યોગ્ય રીતે બજાવવામાં આવ્યું છે પરંતુ તે કોર્ટમાં હાજર થયો નથી (ફરાર છે અને સમન્સ અથવા વોરંટની બજાવવા ટાળવા માટે બહાર રહે છે). તમને આદેશ આપવામાં આવે છે કે સોનુ સૂદની ધરપકડ કરો અને તેને કોર્ટમાં રજૂ કરો.” નોંધનીય છે કે અત્યાર સુધી અભિનેતા કે તેમની ટીમે કેસ કે ધરપકડ વોરંટ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.