ભાવનગર શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નિર્મળનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક યુવક પાસેથી દેશી બનાવટની જોટાળી બંદૂક મળી આવી હતી.
પોલીસે આપેલી માહિતી મુજબ, નિર્મળનગરના કેસરબાગ શેરી નંબર 3માં રહેતા 25 વર્ષીય દિગ્વિજયસિંહ સુજિતસિંહ ગોહિલના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી દેશી બનાવટની જોટાળી બંદૂક મળી આવી હતી, જેની કિંમત આશરે 2000 રૂપિયા આંકવામાં આવી છે.
આરોપી પાસે બંદૂક રાખવા માટેનું કોઈ કાયદેસરનું લાઇસન્સ કે પરવાનગી ન હોવાથી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.
હથિયાર અને આરોપીને નિલમબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે, જ્યાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. SOG પોલીસની આ કાર્યવાહી શહેરમાં ગેરકાયદે હથિયારો પર અંકુશ લગાવવાના પ્રયાસનો એક ભાગ છે.

