પંચમહાલ જિલ્લામાં 12થી 18 નવેમ્બર સુધી ‘જનજાતીય ગૌરવ દિવસ-2026’ની સાત દિવસીય ઉજવણી કરાશે. પાંચ વિધાનસભા વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે આ ઉજવણી કરાશે. આયોજનની માહિતી આપવા મોરવા-હડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
નિમિષાબેન સુથારે જણાવ્યું કે મુખ્ય કાર્યક્રમ મોરવા-હડફના મોરા સુલિયાત ખાતે યોજાશે. આ ઉપરાંત ઘોઘંબાના સ્વામિનારાયણ મંદિર, કાલોલની ગેગડીયા ચોકડી, ગોધરાના છબનપુર અને શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે પણ કાર્યક્રમો યોજાશે. ઉજવણીમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અપાશે. પરંપરા ત વાજિંત્રો, વસ્ત્રો અને નૃત્ય સાથે 1થી 2 કિલોમીટરની શોભાયાત્રા પણ યોજાશે. વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.
વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ લાભાર્થીઓને અધિકારપત્રો અને રેકોર્ડ ઓફ રાઇટ્સ સર્ટિફિકેટ અપાશે. જિલ્લાના 284 આદિવાસી લાભાર્થીઓને કુલ 86 લાખ રૂપિયાના ખર્ચે આવાસ મંજૂરી, દૂધાળા પશુ સહાય, મંડપ યોજના અને કુંવરબાઈનું મામેરું સહિતની સરકારી યોજનાઓના લાભ અપાશે.

