Gujarat

છોટાઉદેપુર માં ઈસ 1991 થી નિરંતર જીત મેળવતા ફારુકભાઈ ફોદા 

છોટાઉદેપુર નગરપાલિકામાં 6 ટર્મ એટલેકે છેલ્લા 30 વર્ષથી નગરપાલિકામાં નિરંતર જીત મેળવતા 70 વર્ષીય ફારુકભાઈ મહંમદભાઈ ફોદા ચાલુ ટર્મમાં પણ 1237 વોટ મેળવી ચૂંટાઈ આવ્યા છે. જેઓએ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 4માં 1991થી 1995 સુધી સભ્ય રહ્યા ત્યારબાદ વોર્ડ નંબર 6માં પણ અત્યાર સુધી સતત સભ્ય પદે ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈસ 2003 થી 2005 સુધી ફારુકભાઈ નગરપાલિકામાં ઉપ પ્રમુખ રહ્યા છે.  જેઓએ 30 વર્ષની અંદર ઈસ 1991 થી અપક્ષ ત્રાજવાના નિશાન ઉપર જીત મેળવી હતી. ત્યારબાદ હેન્ડપંપ, પતંગ, રીક્ષા, જ્યારે કોંગ્રેસ પાર્ટીના   નિશાન ઉપર 800 કરતા વધુ મતોથી ચૂંટાઈ આવ્યા છે. જ્યારે 2025માં હાલમાં યોજાયેલ ચૂંટણીમાં જંગી 1237 મત મળ્યા છે. જે નગરપાલિકાના ઇતિહાસમાં ખૂબ મોટી સિદ્ધિ છે.
એજ રીતે છેલ્લા 25 વર્ષથી છોટાઉદેપુર વોર્ડ નંબર 5ના મહિલા અપક્ષ ઉમેદવાર તરીકે 56 વર્ષીય નજમાબેન પઠાણ હાલ યોજાયેલ પાલિકાની ચૂંટણીના ઇતિહાસમાં 1838 જેટલા જંગી વોટ મેળવી નિરંતર વિજેતા બન્યા છે.  જ્યારે સર્વે નગરમાં પ્રજાની સમસ્યાને ધ્યાને રાખી તેનું નિરાકરણ કર્યું છે. જેથી પ્રજાને દરેક સમયે જરૂરી કામગીરીમાં મદદ રૂપ થતા ઉમેદવારોને નિરંતર પ્રજા પસંદ કરી રહીછે.
જ્યારે ફારુકભાઈ મહંમદભાઈ ફોદાએ જણાવ્યું હતું કે ઇસ 1991થી છોટાઉદેપુર નગરની વોર્ડ 4 અને 6 જનતાએ મને ચૂંટી લાવી જે સેવા કરવાનો મોકો આપ્યો છે. જે મારું સૌભાગ્ય છે. મારા ઉપર જે વિશ્વાસ રાખી પ્રજાએ મને સેવા કરવાનો જે મોકો આપ્યો છે એનો હું અમલ કરીશ, અને જ્યાં સુધી શરીર સાથ આપશે ત્યાં સુધી પ્રજાની સેવા કરતો રહીશ.  તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર