Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર એરપોર્ટ પર આગમન; પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો જેવા દ્રશ્યો જાેવા મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે જામનગર પહોંચ્યા હતા, જામનગર ઍરપોર્ટથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો યોજાયો છે. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાનની મુલાકાતને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તંત્ર દ્વારા પાયલોટ બંગલા સુધીનો રોડ કોર્ડન કરવામાં આવ્યો છે. તેઓ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા સાથે મુલાકાત કરીને તેમને જન્મદિનની શુભકામનાઓ પણ પાઠવશે. તેઓ જામનગરના સર્કિટ હાઉસમાં આજે રાત્રિ રોકાણ પણ કરશે. વડાપ્રધાન રાત્રિ રોકાણ બાદ આવતીકાલે સવારે ફરી મોટર માર્ગે જામનગરના એરપોર્ટ પર પહોંચે અને ચોપર હેલિકોપ્ટર મારફતે તેઓ રિલાયન્સમાં ઉતરાણ કરે, તેવી પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

વડાપ્રધાન મોદી રવિવાર (૦૨/૦૩/૨૦૨૫) સવારથી ‘વનતારા’ એનિમલ રેસ્ક્યૂ સેન્ટરની મુલાકાત પણ લેશે. જ્યાં તેઓ બપોરે ૧ વાગ્યા સુધી રોકાશે. ત્યારબાદ બપોરે ૧.૩૦ વાગ્યે સોમનાથ પહોંચશે. ત્યાં બપોરનું ભોજન પણ લેશે. જ્યાં બપોરે ૨.૧૫ વાગ્યે તેઓ સોમનાથ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવની આરતી, પુજન અને દર્શન કરશે. બાદમાં વડાપ્રધાન મોદી ગીર સોમનાથ તાલુકાના સ્થાનિક કાર્યકર્તાઓ, ભાજપના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરવાના છે. બપોરે ૩ વાગ્યે ત્યાંથી રવાના થશે અને બપોરે ૪ વાગ્યે સાસણગીર પહોંચશે. સાસણ ગીર ખાતે તેઓ રાત્રિ રોકાણ પણ કરશે.

૩ માર્ચનો વડાપ્રધાનનો કાર્યક્રમ

વડાપ્રધાન મોદી સોમવાર (૦૩/૦૩/૨૦૨૫) સવારે જંગલ સફારીની મુલાકાત લશે, ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે વન વિભાગની નેશનલ વાઈલ્ડલાઈફ કૉન્ફરન્સમાં પણ ભાગ લેશે. તેઓ બપોરે ૧ વાગ્યા આસપાસ તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચશે અને બપોરે ૨ વાગ્યે રાજકોટથી દિલ્હી જવા રવાના થશે. આમ, વડાપ્રધાન ત્રણ દિવસ ગુજરાત મુલાકાત અંતર્ગતનો ત્રણ જિલ્લામાં પ્રવાસનો ખેડશે.