કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપી મોટી ભેટ
હવે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત ૫૩ ટકાથી વધી ૫૫ ટકા થશે
નાણાકીય વર્ષની શરૂઆત પહેલા જ મોદી સરકારે સરકારી કર્મચારીઓને લઈને એક મોટો ર્નિણય લીધો. કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું બે ટકા વધારવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સરકારે આ મહત્ત્વનો ર્નિણય લીધો છે. જેમાં વૃદ્ધિ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત ૫૩ ટકાથી વધી ૫૫ ટકા થશે. અગાઉ જુલાઈ, ૨૦૨૪માં ભથ્થુ ૩ ટકા વધારવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થુ એક જાન્યુઆરી, ૨૦૨૫થી અમલી બનશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્ર સ્તરના કરોડો કર્મચારીઓ અને પેન્શર્સને લાભ મળશે. જેથી જાે બેઝિક પગાર રૂ. ૫૦,૦૦૦ હોય તો તેના પર હાલ રૂ. ૨૬૫૦૦ મોંઘવારી ભથ્થું મળતુ હતું. જેમાં હવે મોંઘવારી ભથ્થું ૫૫ ટકા અર્થાત રૂ. ૨૭૫૦૦ મળશે. અર્થાત સરકારી કર્મચારીઓના પગારમાં રૂ. એક હજાર વધારો થશે. બેઝિક પગાર રૂ. ૭૦૦૦૦ પર મોંઘવારી ભથ્થું રૂ. ૧૪૦૦ વધશે. જ્યારે એક લાખના બેઝિક પગાર પર મહિને રૂ. બે હજારનો વધારો થયો છે.

