જિલ્લાકક્ષના “સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમમાં પ્રજાજનોની વિવિધ ૧૭ જેટલી સમસ્યાઓની અરજીઓનો સંતોષકારક નિકાલ
જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાજનોની વિવિધ ૧૭ જેટલી સમસ્યાઓની અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓનો જિલ્લા કલેકટર દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. વિવિધ ૧૭ અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેકટરએ તમામ અરજદારોની સમસ્યાનો નિયત સમયમાં સંતોષકારક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, એએસપી ગૌરવ અગ્રવાલ, અધિક નિવાસી કલેકટર શૈલેષ ગોકલાણી, નાયબ કલેકટર પ્રીતેશ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

