Gujarat

એક જીભ પોતે જે મિત્ર છે, એજ દુશ્મન પણ છે, સંબંધોમાં જોડાણ અને વિનાશ બંને માટે જવાબદાર ગણાય છે. શબ્દો દ્વારા નવા સંબંધોમાં મીઠાશ ઉમેરાય છે અને એના દ્વારા બોલાએલા કડવા શબ્દોને કારણે સંબંધોનો કાયમી અંત આવી શકે છે.”

વાણીનો વૈભવ અને વિલાસ- રેખા પટેલ (ડેલાવર )
 
એક જીભ પોતે જે મિત્ર છે, એજ દુશ્મન પણ છે, સંબંધોમાં જોડાણ અને વિનાશ બંને માટે જવાબદાર ગણાય છે. શબ્દો દ્વારા નવા સંબંધોમાં મીઠાશ ઉમેરાય છે અને એના દ્વારા બોલાએલા કડવા શબ્દોને કારણે સંબંધોનો કાયમી અંત આવી શકે છે.”
 
 
“વાણી દ્વારા સર્જન, વિસર્જન એટલે વ્યક્તિને પોતાનીજ વાણી ઊંચાઈ પર લઈ જઈ શકે છે, તો ક્યારેક પતન તરફ પણ દોરી શકે છે.” હાડકાં વિનાની જીભ ભલભલાનાં હાડકાં ભંગાવી નાખે છે. વાળીએ તેમ વળી જાય એવી જીભને કાબુમાં રાખવી પણ બહુ મુશ્કેલ છે. ડાહ્યા માણસો હંમેશા કહે છે કે બોલતા પહેલા બે વખત વિચાર કરવો જોઈએ. કારણ આપેલું પાછું લેવાય છે પણ બોલેલું પાછું ગળી શકાતું નથી.
 
વાણીથી થતો વિલાસ, અભીચાર અને વહેવાર. વિષય સાવ સહેલો છતાં અટપટો છે. સાંભળવો કહેવો સરળ છતાં વહેવારમાં મુકવો અઘરો છે. ઝગડો કે મનદુઃખ વેળાએ ઉગ્ર શબ્દોના પ્રહારથી વાત વધુ વણસે છે, એ જાણવા છતાં ગુસ્સામાં આવી જઈ ચુપ રહેવું પણ સંયમની પરીક્ષા કરાવે છે.
 
વાણી એ મનની પ્રતિક્રિયા છે. માણસ શું વિચારે છે, શું કરવા માંગે છે તેનાં શબ્દો દ્વારા બહાર આવે છે. મનમાં રહેલો પ્રેમ ગુસ્સો, માન, અપમાન બધું શબ્દો દ્વારા સામેની વ્યક્તિ સમજી શકે છે. જે સંસ્કાર અને સમજશક્તિનું પ્રદર્શન કરાવે છે.
કેટલાક મનના ભાવ છુપાવી દેવામાં હોશિયાર હોય છે. એનો અર્થ એ પણ ખરો કે વાણી ઉપર ભારે કંટ્રોલ હોય અથવા શબ્દોના વિલાસ થી પરિચિત હોય. આવી ખૂબી હોવી ખોટી નથી. આમ કરતા એ પોતે ઝગડાનું કારણ નથી બનતો એ નક્કી હોય છે. સમજમાં પોતે કરેલી ભૂલોને પણ બહુ ખુબીથી છુપાવી શકે છે. કારણે જે અપશબ્દો બોલે છે એજ બીજાને સંભળાય છે.
 
દરેક જાણે છે કે શબ્દો જે દેખાતા નથી, જોખાતા નથી છતાં પથ્થર કરતાં કઠોર અને તલવારની ધાર સમા છે. તો સામે સરળ શબ્દો માખણ સમા મુલાયમ અને શીતલ જલ જેવા બની ઊંડા જખમ ઉપર મલમનું કામ પણ કરે છે.
વાણીમાં મીઠાશ હોય તો અઘરા કામ પણ સહેલાઈથી ઉકેલાય છે. આસાનીથી માગ્યા વિના પણ મદદ મેળવી શકાય છે. શબ્દોનું માધુર્ય તો દેવતાઓને પણ પ્રિય છે તો સામાન્ય માનવીને મનાવી લેવા સાવ સહેલા છે. મીઠાબોલા વ્યક્તિ સામે દૌલત પણ પાછી પડે છે.
 
 
સમાજમાં જેમ પૈસાનું મહત્વ છે તેમ વાણી વહેવારનું પણ પોતાનું મહત્વ છે. જેના કારણે માણસની કિંમત અંકાય છે અને માન અપાય છે. કડવા શબ્દો બોલાતી કે બીજાઓને તુચ્છ સમજતી વ્યક્તિ ભલેને ગમે તે હોદ્દા ઉપર હોય કે ઘનના ઢગલાં ઉપર બેઠી હોય તો પણ કોઈએક વ્યક્તિ પણ તેને દિલથી માન નહિ આપે.

જ્યારે સામાન્ય છતાં મીઠાબોલ બોલનાર કે નમ્રતાથી વહેવાર કરનાર ભલે ખાસ કોઈ સ્થાન નાં ધરાવતો હોય છતાં સહુમાં પ્રિય રહેશે. એટલે જ તો માણસનું સાચું આભુષણ વાણી કહેવાય છે. કારણ વ્યક્તિની શોભા અને ઓભાં બંને આને કારણે જળવાય છે.
 
કોઈ પણ મોટી વ્યક્તિ જ્યારે જાહેરમાં સંબોધન કરે ત્યારે નાના માણસોને પણ વહાલાં કે પ્રિય ભાઈઓ બહેનો જેવા સંબોધનથી સંબોધે ત્યારે તેમના શબ્દોમાં રહેલી આત્મીયતા સામે બેઠેલાને સ્પર્શી જાય છે. વાણીનો વિવેક ભલભલા ક્ષેત્રોમાં જીત અપાવે છે.
 
માત્ર શબ્દો કે જીભ કામ નથી બગાડતાં. તેમનો કઈ રીતે અને કઈ જગ્યાએ તેનો ઉપયોગ થયો છે એ પણ મહત્વનું છે. રોજ કોઈને ટુંકારે બોલાવતા હોય અને અચાનક તેને માનવાચક શબ્દોથી બોલાવાય તો પણ કલેશ પેદા કરે છે. એનાથી વિરુદ્ધ બોલાચાલીમાં ટૂંકારો આવી જાય તો વાત વણસી જાય છે.
 
કોઈના વખાણ કરી દિલને જીતી શકાય છે, તો મિથ્યા આરોપણ કરી બહુ ઝડપી નજરમાંથી ઉતરી જવાય છે. કારણ મનનાં ભાવો શબ્દો દ્વારા બહાર ફેકાય છે. ભલે મનમાં ઘણું હોય છતાં જો ચુપ રહેવામાં આવે તો ઘણું સચવાઈ શકે છે. એમાય કોઈ સાથે મનમોટાવ થયો હોય ત્યારે વાતને ત્યાજ મૂકી દઈ બીજા દિવસે તેની ચર્ચા કરવામાં આવે તો શબ્દોથી થતો સંહાર ઘણા અંશે ઓછો કરી શકાય છે.
 
કેટલાક સાધુ સંતોને અવારનવાર મૌન પાળતા જોઈએ છે. જે વાણી ઉપરનો સંયમ પ્રાપ્ત કરવાનો પ્રયાસ હોય છે.  જરૂર પુરતું બોલવું કે બોલતા પહેલા થોડું વિચારવું આટલી ટેવ ખોટા કંકાસથી બચાવે છે.

IMG-20250417-WA0068.jpg