Gujarat

ઐતિહાસિક કિલ્લાના સાઉન્ડ શોને ‘મુઘલકાળ’ નડ્યો તૈયાર કરેલી શોર્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ ભાજપે રિજેક્ટ કરી

શહેરના ચોકબજાર ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લાનું બે ફેઝમાં રિસ્ટોરેશન કર્યા પછી અહીં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવાની યોજના હતી. આ માટે વર્ષ 2021માં કામ પણ સોંપાઇ ગયું હતું અને સિસ્ટમ ઊભી કરવા માટે અંદાજે 10 કરોડનો ખર્ચો પણ કરવામાં આવ્યો હતો.

સિસ્ટમ ઇન્સ્ટોલ પણ થઈ ગઈ, પરંતુ સાઉન્ડ શોમાં દર્શાવવામાં આવનારી ફિલ્મની ફાઇનલ એપ્રૂવલ શાસક ભાજપ તરફથી મળી રહી ન હોવાથી સાઉન્ડ શો અટકી પડ્યો છે.

સૂત્રોના કહેવા પ્રમાણે, આ સાઉન્ડ શોને ‘મુઘલકાળ’ નડ્યો છે. અધિકારીઓ દ્વારા શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી હતી તેમાં બધુ જ મુઘલકાળનું બતાવવામાં આવ્યું હોવાથી શાસકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

હોદ્દેદારોએ અધિકારીઓને ત્યાં સુધી સવાલ કરી દીધો હતો કે ‘શું અત્યારે પણ આપણે મુઘલકાળમાં જીવી રહ્યા છે?’ ફિલ્મ નવી બનાવીને લાવો. આટલું જ નહીં પણ આ ફિલ્મમાં પાલિકાની કચેરી માટે સંબોધવામાં આવેલા ‘મુઘલસરાય’ શબ્દને પણ ફિલ્મમાંથી હટાવી દેવા માટે સૂચના આપવામાં આવી હતી.

ફિલ્મમાં વારંવાર ફેરફારથી યોજના એક વર્ષ ખોરવાઈ

હેરિટેજ વિભાગના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ તૈયાર કરવા કમિટી બનાવી હતી. ફિલ્મ તૈયાર થઇ ગયા પછી વહીવટી અધિકારી-પદાધિકારીઓને બતાવવામાં આવે છે, જેમાં વખતોવખત ફેરફાર કરવા સૂચનો અપાયાં હતાં, જેના આધારે ફિલ્મમાં ફેરફાર કરાયા છે.

હાલ 10-10 મિનિટની 3 ફિલ્મ તૈયાર કરી છે, જેને આગામી દિવસોમાં એપ્રુવલ મળી ગયા પછી શરૂ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક કિલ્લાનું રિસ્ટોરેશન સ્માર્ટ સિટી મિશન હેઠળ કરવામાં આવ્યું હતું અને તેને રિનોવેટ કરાયા પછી 3 વર્ષમાં 1.21 લાખ લોકોએ કિલ્લાની મુલાકાત લીધી હતી અને આ પેટે પાલિકાને 83.72 લાખની આવક થઈ હતી. લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ કિલ્લામાં આકર્ષણ ઊભું કરવા માટે જ બતાવવામાં આવનાર છે.