જાહેરક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારીઓનું 90 ટકા પ્રતિનિધિત્વ ધરાવતા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા હડતાળ પાડવામાં આવી છે. જેને પગલે વડોદરાની 800 બ્રાન્ચના 8000 કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે.
જેથી બેન્કિંગ સેવાને અસર પહોંચી છે. આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડા ખાતે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ એકત્ર થયા હતા અને ભારે સુત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિતમંત્રી કી તાનાશાહી નહીં ચલેગીના નારા લગાવ્યા હતા. આજની હડતાલ પછી પણ જો પડતર માંગણીઓ નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી આવી છે.
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સની સેન્ટ્રલ કમિટી અધ્યક્ષ કૈલાશ કેમકર એ જણાવ્યું હતું કે, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આજે હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ હડતાલની મુખ્ય માગણીઓ 5 ડે બેંકિંગ લાગુ કરવાની છે. આ ઉપરાંત, અગાઉ સેટલ ન થયેલા જે બાકી મુદ્દાઓ છે તેને વહેલી તકે ઉકેલવામાં આવે તથા પ્રોડક્ટિવિટી લિંક્ડ ઇન્સન્ટિવમાં જે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે તે દૂર કરવામાં આવે.
જો સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ જશે તો 26 સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાલ પર જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજના વિરોધ પ્રદર્શન અંગે વાત કરીએ તો ગુજરાતમાં અંદાજે 70થી 75 હાજર જેટલા કર્મચારીઓ જોડાયા છે, જ્યારે સમગ્ર દેશભરમાં અંદાજે 7 લાખ જેટલા બેંક કર્મચારીઓ આ હડતાલમાં ભાગ લઈ રહ્યા છે.

