Gujarat

બાપુનગરમાં ESIC હોસ્પિટલમાં નોકરીના નામે લાંચનું મોટું કૌભાંડ

બાપુનગર ખાતે આવેલી ESIC મોડલ જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત નોકરી અપાવવાના બહાને ઉમેદવારો પાસેથી રૂ. 30 હજારથી રૂ. 1.50 લાખ સુધીની લાંચ ઉઘરાવવાના કૌભાંડનો ACBએ પર્દાફાશ કર્યો છે. વટવા GIDC સ્થિત સિક્યોરિટી એજન્સીની ઓફિસમાંથી ₹95 હજારની લાંચ લેતા બે ઓપરેશન મેનેજર સહિત કુલ 4 આરોપીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.

એસીબીની હેલ્પલાઇન 1064 પર મળેલી ખાનગી રજૂઆતોના આધારે જાણવા મળ્યું હતું કે, ESIC મોડલ જનરલ હોસ્પિટલ સાથે કોન્ટ્રાક્ટ ધરાવતી ‘સિક્યોરશીલ્ડ સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ’ કંપની દ્વારા અલગ-અલગ કેટેગરીમાં કરાર આધારિત નોકરી આપવા માટે ઉમેદવારો પાસે મોટી રકમની માંગણી કરવામાં આવી રહી છે.

મળેલી માહિતીના આધારે એસીબીએ વોચ ગોઠવીને છટકું ગોઠવ્યું હતું. વટવા GIDCમાં આવેલા મેટ્રિક્સ પ્લાઝા કોમ્પ્લેક્સ સ્થિત કંપનીની ઓફિસમાં જ ઉમેદવાર પાસેથી ₹95 હજારની લાંચ સ્વીકારતા દિલ્હીના ઓપરેશન મેનેજર પ્રમોદ શંકર પાંડેને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. આ ગુનામાં એકબીજાની મદદગારી કરવા બદલ નીચે મુજબના 4 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

  • પ્રમોદ શંકર પાંડે (ઓપરેશન મેનેજર, નવી દિલ્હી)
  • પંકજકુમાર મિશ્રા (ઓપરેશન મેનેજર, નવી દિલ્હી)
  • રાજીવભાઈ શુક્લા (રહે. વટવા, અમદાવાદ)
  • જયેશકુમાર ચૌધરી (રહે. ઈડર)