ભુજ સ્થિત કચ્છ જિલ્લા ભાજપના કચ્છ કમલમ કાર્યાલયમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષ સ્થાને વક્ફ કાયદામાં સુધારણા હેઠળ જનજાગૃતિના હેતુથી લઘુમતી મોરચાની કાર્યશાળાનું આયોજન કરાયું હતું,
જેમાં કાયદાના સુધારણા બાબતે સત્ય હકીકત જણાવવા ઉપરાંત ફાયદાની સમજ આપવામાં આવી હતી,
જેમાં જિલ્લા લઘુમતી મોરચાના અધ્યક્ષ આમદભાઈ જતે જણાવ્યું હતું કે વક્ફ કાયદામાં સુધારો ગરીબોના કલ્યાણ અને ભ્રષ્ટ વહીવટદારોને દૂર કરવા માટે કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કચ્છમાં પણ 1200થી વધારે વક્ફની મિલ્કતો હોવાનું અને તેમાંથી માત્ર 8 ટકા મિલ્કતોનો જ હિસાબ જાહેર કરવામાં આવે છે.
સ્વાગત પ્રવચન પ્રદેશ લઘુમતી મોરચાના ખજાનચી અકબરભાઈ રાઉમાએ કરતા જણાવ્યું હતું કે વકફ અંગે પ્રવર્તી રહેલી ભ્રમણાઓ અને ગેરમાન્યતાઓ દૂર કરવાની આપણા શિરે મોટી જવાબદારી છે.
વક્ફ સુધારા જનજાગરણ અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ હિતેષ ખંડોરે કહ્યું હતું કે, વક્ફ સુધારા હેઠળના જે નિયમો બનાવામાં આવ્યા છે તે લોકોના હિત માટે અને ભ્રષ્ટાચાર ખતમ થાય તે પ્રકારના છે.
જિલ્લા ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે, વક્ફ સુધારણા કાયદો એ ગરીબ મુસ્લિમોના વિકાસ માટે અને પોતાના અંગત હિત માટે વક્ફનો ફાયદો લેતા ભ્રષ્ટાચારીઓને દૂર કરવા માટે છે.
જિલ્લા મહામંત્રીઓ દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા લઘુમતી મોરચા મહામંત્રી મામદશા શેખ તેમજ લઘુમતી મોરચાના જિલ્લા તેમજ મંડલ સ્તરના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન અભિયાનના સહ ઇન્ચાર્જ જયદીપસિંહ જાડેજાએ તેમજ આભારવિધિ જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ બારાચે કરી હોવાનું ક્ચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઇન્ચાર્જ ચેતન કતીરા અને અનવર નોડેની યાદીમાં જણાવાયું હતું.

