અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદેસર સામ્રાજ્ય ઉભું કરનાર કુખ્યાત લલ્લા પઠાણને ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું ભાન કરાવ્યું છે. લલ્લા પઠાણને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
અમદાવાદમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી ચંડોળા તળાવ પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડી તેમના ગેરકાયદે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આ સમગ્ર મુદ્દે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો. લલ્લા બિહારીને ભારે જહેમત બાદ રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે આ પહેલા ૨૯ એપ્રિલે તેના દીકરા ફતેહ મોહમ્મદની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે રવિવારે (૪ મે, ૨૦૨૫) અમદાવાદ પોલીસની ટીમ આરોપી લલ્લા બિહારી અને તેના પુત્રને પકડીને ચંડોળા વિસ્તાર ખાતે લલ્લાએ કઈ રીતે કઈ જગ્યાએ દબાણો કર્યા હતા તે તમામ જગ્યા પર પોલીસ તેને લઈને ગઈ હતી અને નિવેદન નોંધ્યા હતા.
ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને વીજ કનેકશનની સાથે અનેક ગુનાહિત પ્રવૃતિ આચરનાર લલ્લા બિહારીની ધરપકડ બાદ પોલીસે શરૂ કરેલી પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયા હતા. જેમાં લલ્લા બિહારી બાંગ્લાદેશીઓની ઘુષણખોરીનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. જે માટે તે બાંગ્લાદેશી તેમજ અન્ય એજન્ટોના સંપર્કમાં હતો. સાથે સાથે તેણે ગેરકાયદે આવકથી સોનામાં રોકાણની સાથે કન્ટ્રક્શનના વ્યવસાયમાં તેમજ ઉત્તરપ્રદેશમાં જમીનમાં મોટાપાયે નાણાં રોક્યા હતા. પોલીસને તેની પાસેથી મળી આવેલી હિસાબની ડાયરીમાં અનેક વિગતો મળી છે. જેના આધારે આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

