મહેસાણા જિલ્લામાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
સોમવાર રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. કડીમાં એક ઈંચ, બેચરાજીમાં પોણો ઈંચ, જોટાણામાં સવા ઈંચ, મહેસાણામાં એક ઈંચ અને વિજાપુર પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો.

વીજળી પડવાના છ અલગ-અલગ બનાવોમાં છ પશુઓના મોત થયા હતા. એક અન્ય ઘટનામાં પશુ પર ઝાડ પડવાથી તેનું મોત નિપજ્યું હતું. વાવાઝોડાને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
શહેરમાં કેટલાક હોર્ડિંગ્સને નુકસાન થયું હતું. પડસ્મા-લાંઘણજ વચ્ચે ઝાડ ધરાશાયી થયું હતું. બોરિયાવીમાં વીજ થાંભલો પડી જવાથી વીજ પુરવઠો ખોરવાયો હતો. એક પશુ શેડ તૂટી પડવાથી પશુને ઈજા થઈ હતી.
કુલ સાત સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો હતો. પીજીવીસીએલની ટીમોએ તાત્કાલિક કામગીરી કરીને વીજ પુરવઠો પુનः શરૂ કર્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સતર્કતા રાખવા સૂચના આપી છે.

