વિજાપુર શહેરના અભુજી નગરમાં રોહિત વાસ અને દેવીપૂજક વાસની નજીક આવેલા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. છેલ્લા પંદર દિવસથી આ વિસ્તારના વીસથી પચ્ચીસ ઘરોમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, પાણીનો ફોર્સ ઘણો ઓછો છે. તેમણે પાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. અભુજી નગરના આગળના વિભાગમાં પાણી પહોંચે છે, પરંતુ છેવાડાના વિસ્તારમાં પાણી પહોંચતું નથી. હાલમાં કેટલાક રહીશો ટ્રેક્ટર દ્વારા બહારથી પાણી મંગાવીને પોતાની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે.

પાણી પુરવઠા વિભાગના પાર્થ પટેલે જણાવ્યું કે અભુજી નગરમાં પૂરતા ફોર્સ સાથે પાણી આપવામાં આવે છે. તેમના મતે, સોસાયટીના અંદરના વિસ્તારમાં કેટલાક ઘરોમાં પાણીની મોટરો ચાલુ હોવાને કારણે ફોર્સ ઓછો થતો હોઈ શકે છે. પ્રથમ અને બીજા વિભાગમાં પાણીની કોઈ સમસ્યા નથી. વિભાગે આશ્વાસન આપ્યું છે કે જે ઘરોમાં પાણી નથી પહોંચતું તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.


