બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે આવેલા બહુચર માતાજીના પ્રાચીન મંદિરમાં એક નવું આકર્ષણ ઉમેરાયું છે. અહીં 325 કિલોગ્રામ તાંબામાંથી બનાવેલું 21 ફૂટ ઊંચું ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ત્રિશૂળ ગુજરાતમાં પ્રથમ છે.

આરસપહાણની પીઠિકા સાથે ત્રિશૂળની કુલ ઊંચાઇ 31 ફૂટની છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 27 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
મુંબઈ સ્થિત ઘુંટું-મોરબીના દાતા નરભેરામભાઈ માવજીભાઈ સોરિયાએ ત્રિશૂળનું અનાવરણ કર્યું હતું. અનાવરણ કાર્યક્રમમાં ટોડા મંદિરના ચેરમેન કાળીદાસ પટેલ, ટ્રસ્ટી મોહનભાઈ દેસાઈ, પૂર્વ સરપંચ પરેશ પટેલ, બાબુભાઈ પટેલ અને આનંદના ગરબા મંડળની બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

પૌરાણિક માન્યતા મુજબ, સદીઓ પહેલા દંઢાસૂર નામના રાક્ષસ ઋષિ-મુનિઓને હેરાન કરતો હતો. બહુચર માતાજીએ બાળા સ્વરૂપે પ્રગટ થઈને ત્રિશૂળથી તેનો વધ કર્યો હતો.
ત્રિશૂળ માતાજીનું મુખ્ય આયુધ હોવાથી અહીં તેની સ્થાપના કરવામાં આવી છે. રાજસ્થાનના સુંધા માતાજીના મંદિરમાં પણ આવું જ ત્રિશૂળ જોવા મળે છે.

