Gujarat

વડોદરાના ગોરવા વિસ્તારના લોકો રસ્તા પર ઉતર્યા, તંત્રને જગાડવા ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કર્યા

વડોદરા મહાનગર પાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11ના ગોરવા વિસ્તારમાં સ્થાનિક રહીશોએ તંત્રની ઉદાસીનતા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

ગોરવા વિસ્તારમાં આવેલ જય ગણેશ સોસાયટી અને આસપાસની સોસાયટીઓના રહીશોએ ઢોલ-નગારા વગાડી અને ભારે સૂત્રોચાર સાથે માટલા ફોડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની ફરિયાદ શહેરના ગોરવા વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્ર થઈ રહ્યું છે.

આ સમસ્યા ઉકેલવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં, આખરે સ્થાનિકોએ વિરોધનો રસ્તો અપનાવ્યો છે. રહીશોએ ઢોલ-નગારા અને માટલા ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો અને આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષથી અમને પાણીની સમસ્યા છે. ગટરની સફાઈ માટે બોલાવીએ તો કોઈ યોગ્ય જવાબ મળતો નથી. અહીંયા ગટરનું પાણી પીવાના પાણીમાં મિશ્રણ થઈ જાય છે. અમે કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત કરી, પરંતુ કોઈ આવવા તૈયાર નથી.