ભારતમાં ઘૂસણખોરી કરી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. 200 જેટલા બાંગ્લાદેશીને તો પકડીને ડિપોર્ટ કરી દેવાયા છે, જોકે પોલીસ તપાસમાં સનસનીખેજ વિગતો સામે આવી છે.
અહીં રહેતા કેટલાક બાંગ્લાદેશીઓએ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું અને એના આધારે પાસપોર્ટ પણ બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની ટીમે અમદાવાદમાંથી વધુ એક બાંગ્લાદેશી અને એજન્ટને ઝડપી પાડ્યો છે, જેઓ ઘૂસણખોરોને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતા હતા.
ઝડપાયેલા આરોપીઓની દુકાનમાંથી અસંખ્ય બોગસ ડોક્યુમેન્ટ અને આઈડી પ્રૂફ મળ્યા છે. ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે ઘૂસણખોરોના બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા આઈડી પ્રૂફ બનાવવા માટે સ્થાનિક ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનુ ખૂલ્યું છે.
બોગસ ડોક્યુમેન્ટ બનાવી અમદાવાદમાં રહેતો બાંગ્લાદેશી બોગસ ડોક્યુમેન્ટ બનાવતો હતો ગુજરાત એટીએસે બાતમીના આધારે રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. બાંગ્લાદેશી નારોલમાં રહેતો હતો. આરોપી તેના મકાનની નીચે વીઆઈપી મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવે છે.
તેણે પોતાના ખોટા આઇડી પ્રૂફ બનાવી ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. રાણા સરકારે અને રોબ્યુલ ઈસ્લામનાએ નારોલ મણિયાર પેટ્રોલ પંપ સામે આવેલા અલકુરેશ એન્ટરપ્રાઇઝના સોહેબ કુરેશી સાથે મળીને બીજા બાંગ્લાદેશી અને અન્ય લોકોનાં પણ આધારકાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિતના ખોટા દસ્તાવેજો બનાવી પાસપોર્ટ કઢાવી આપ્યા હતા.