National

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી

બિહાર ચૂંટણી પહેલાં ૨ દિગ્ગજ નેતાઓની મુલાકાતથી રાજ્યના રાજકારણમાં ગરમાયું

બિહારમાં હાલની રાજકીય પરિસ્થિતિ ખૂબ લોક ચર્ચામાં છે ત્યારે, કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. કયા કારણસર આ બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી તે જાણવા લોકો ખૂબ આતુર બન્યા છે.

પટનામાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જેડીયુના વરિષ્ઠ નેતા તથા જળ સંસાધન મંત્રી વિજય કુમાર ચૌધરી પણ ઉપસ્થિત હતા. મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે પાસવાનની આ મુલાકાત ઔપચારિક હોવાનું જણાવવામાં આવ્યું છે.

હાલ મુખ્યમંત્રીએ બિહારમાં NDA નેતાઓ સાથે ચૂંટણીના મુદ્દા પર અલગથી મુલાકાત કરીને ચર્ચા શરુ કરી છે. આ ક્રમમાં, JDUના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેઓ આરએલએમ નેતા ઉપેન્દ્ર કુશવાહાને પણ મળ્યા હતા. ચિરાગ પાસવાન સાથેની તેમની મુલાકાતને આ શ્રેણીનો જ એક ભાગ માનવામાં આવી રહ્યો છે. લોજપાના નેતાઓએ કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં એનડીએ સંપૂર્ણપણે સાથે છે.

ચિરાગ પાસવાને મુખ્યમંત્રી સાથે ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ અને બિહાર માટે આ દિશામાં હાથ ધરવામાં આવેલી પહેલ વિશે ચર્ચા કરવામાં આવી હતી, આ સંદર્ભે યોજાનારા એક કાર્યક્રમ વિશે પણ મુખ્યમંત્રીને માહિતી આપી હતી. નીતિશ કુમારે આ માટે ચિરાગ પાસવાનને અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકમાં તેમની સાથે તેમના પક્ષના કેટલાક નેતાઓ પણ હાજર હતા.