Gujarat

10 વર્ષ બાદ સામરખા ચોકડી પાસેના સ્લોટર હાઉસની જગા સાફ કરવાનું શરૂ

આણંદ મનપા હસ્તક સ્લોટર હાઉસ હાઇવે રોડના નવીનીકરણ વખતે તોડી નાંખવામાં આવ્યું હતું.

ત્યારે બકરી તહેવાર પર્વે જાનવરના અવશેષો નાંખવા બાબતે પ્રશ્ન ઉભો થયો હોવાથી આખરે 10 વર્ષ બાદ સામરખા ચોકડી પાસે સાફસફાઇ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જો કે આગામી દિવસોમાં સ્લોટર હાઉસ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ સામરખા ચોકડી અંબર હોટલની વર્ષો જૂનું સ્લોટર હાઉસ પી ડબલ્યુ ડી વિભાગે 6 લેન માર્ગ બનાવતી વખતે તોડી નાંખવામાં આવ્યું હતું.

ત્યારે તંત્રએ જુની પાણીની ટાંકી પાસે સ્લોટર હાઉસ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ આજુબાજુના વિસ્તારના રહીશોએ વિરોધ કરવામાં આવતાં કામગીરી પડતી મુકાઇ હતી.

જેના પગલે ખાટકીવાડ સહિત શહેરના જુદા જુદા વિસ્તારમાં મુસ્લિમોને બકરી ઇદ તહેવાર પર્વે કુરબાની અવશેષો ક્યાં નાંખવા તે પ્રશ્ન ઉભો થયો હતો.

આખરે ફરિયાદોને પગલે બુધવારે જેસીબી મશીન થી સામરખા ચોકડી વર્ષોજૂના સ્લોટર હાઉસની સાફસફાઇ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેના પગલે સમગ્ર વિસ્તારના મુસ્લિમ બિરદારોને આનંદની લાગણી છવાઇ ગઇ હતી.

આ અંગે ડેપ્યુટી કમિશ્નર એસ કે ગરવાલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આણંદ શહેરમાં સ્લોટર હાઉસ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.