Gujarat

BLOની કામગીરી સામે રોષ, જિલ્લા તંત્રને આવેદનપત્ર આપ્યું

પંચમહાલ જિલ્લામાં આંગણવાડી કાર્યકર્તાઓને બુથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી સોંપવામાં આવતા વિરોધનો સૂર ઉઠ્યો છે. આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘે જિલ્લા સંકલિત બાળ વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે.

આંગણવાડી કાર્યકર્તાઓએ જણાવ્યું કે તેમની મુખ્ય જવાબદારી ICDS યોજના હેઠળ છ વર્ષથી નાના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને કિશોરીઓના આરોગ્ય અને પોષણની દેખરેખની છે. તેમનું મુખ્ય કાર્ય કુપોષણનું પ્રમાણ ઘટાડવાનું અને મૃત્યુદર નીચો લાવવાનું છે.

કાર્યકર્તાઓએ સ્પષ્ટ કર્યું કે વર્તમાન કામગીરી અને દફ્તરી કાર્યમાં જ તેમનો સમય પૂરો થઈ જાય છે. વધારાની BLOની કામગીરી સોંપવામાં આવે તો તેમની મુખ્ય જવાબદારીઓ પર અસર થશે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે આંગણવાડી કાર્યકર્તાઓને ICDS સિવાયની કોઈપણ કામગીરી ન સોંપવા અંગેનો સરકારી પરિપત્ર પણ અસ્તિત્વમાં છે.

આવેદનપત્રમાં BLOની કામગીરી પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.