કચ્છ જિલ્લાના પૂર્વ વિભાગમાં એક બાદ એક બાળકીઓ સાથે અભદ્ર ઘટનાઓથી ચિંતાનો માહોલ સર્જાયો છે.
હજુ તાજેતરમાં આદિપુરના એક ગામે સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી ત્યાં હવે રાપરમાં ગ્રામીણ વિસ્તારમાં માત્ર 5 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતીની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ છે.
ગઈકાલ બનેલી ઘટનાનામાં અડપલાં કરનાર શખ્સની રાપર પોલીસે અટકાયત કરી છે. તેમજ વધુ પૂછપરછની મંજૂરી માટે ભચાઉ સ્પે.પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના ગઈકાલ સવારે આશરે 9.30 વાગ્યાના અરસામાં બની હતી.
બાળકી જ્યારે ઘર બહાર ખુલ્લામાં કુદરતી હાજતે ગઈ હતી, આ દરમિયાન એક શખ્સ ત્યાં પહોંચ્યો હતો અને બાળકીને પાછળથી ઉપાડીને બદકામ માટે ઝાડીમાં લઈ ગયો હતો.
જ્યાં તેણે બાળકી સાથે શારીરિક છેડછાડ કરી દુષ્કર્મનનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ઘરે ગયેલી બાળકીની ઈજાઓ પરથી માતાને ઘટનાની જાણ થઈ હતી. માતાએ તાત્કાલિક બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ખડીર પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એમ. એન. દવેનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, આ મામલે પોકસો કલમ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને રાત્રે જ ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપીની વધુ પૂછપરછ માટે ભચાઉ સ્પે.પોકસો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બાળકીની તબીબી તપાસ કરવામાં આવી છે. જોકે બાળકીને કોઈ ગંભીર ઈજા ન હોવાનું તેમણે કહ્યું હતું.