Gujarat

કેશોદમાં અશાંત ધારો લાગુ કરવા હિન્દુ સમાજની બેઠક

કેશોદ બરસાના સોસાયટી ઓમકારેશ્વર મંદિર ખાતે ચોક્કસ સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવા માટે સમગ્ર શહેરના હિન્દુ સમાજની એક બેઠક યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજના લોકો જોડાયા હતાં.

આ બેઠકમાં ચોક્કસ સોસાયટીઓમાં વર્ષોથી હિન્દુ સમાજના લોકો બાપદાદાની જમીન, પ્લોટ અને રહેણાંક મકાનમાં પરિવાર સાથે રહેતાં હોય ત્યારે બિન હિન્દુ સમાજના લોકો આવી સોસાયટીઓમાં જમીન, મકાન, પ્લોટ ખરીદ કરવા પ્રયત્ન કરતાં હોય ત્યારે હિન્દુ સમાજના લોકોએ તેમની મિલકતને આર્થિક નુકશાન થશે અને પરિવારને પલાયન થવું પડશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.

આવી ચોકકસ સોસાયટીઓના અગ્રણીઓની એક કમિટી બનાવવા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

અને આવી સોસાયટીમાં ભવિષ્યમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે અશાંત ધારો લાગું કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

તે માટે અશાંત ધારો લાગું કરવા કેશોદ હિન્દુ સમાજ અને સંગઠનોએ તૈયારી બતાવતાં આગામી સમયમાં હિન્દુ સમાજના આગેવાનો ધારાસભ્ય, કલેક્ટર અને સામાજીક આગેવાનોને રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું.