Gujarat

અપહરણ કરી 5000 રૂપિયાની લૂંટ કરનાર બે શખ્સો ગણતરીના કલાકોમાં પકડાયા, એક સામે 22 ગુના નોંધાયેલા

ભુજ શહેરમાં બનેલી લૂંટની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ એક વ્યક્તિનું અપહરણ કરી તેની પાસેથી 5000 રૂપિયાની લૂંટ કરી હતી.

ગત 2 તારીખે સરફરાજ ઈબ્રાહીમ ત્રાયા અને સલીમ ઉર્ફે ચલો જુસબ મમણે ગુનાહિત કાવતરું રચ્યું હતું.

તેઓએ ફરિયાદીને તેના ઘરેથી બાઈક પર બેસાડી સંસ્કાર સ્કૂલની પાછળ લઈ ગયા હતા. ત્યાં તેઓએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી માર માર્યો હતો.

છરીના હાથા વડે માથામાં ઈજા પહોંચાડી 5000 રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.આર.જેઠીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બંને આરોપીઓને સીતારા ચોક ભુજથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં સરફરાજ ઈબ્રાહીમ ત્રાયા (રહે. ભીડનાકા બહાર, સીતારા ચોક, ભુજ) સામે અગાઉ 7 ગુના નોંધાયેલા છે.

જ્યારે સલીમ ઉર્ફે ચલો જુસબ મમણ (રહે. ભીડનાકા બહાર, દાદુપીર રોડ, ભુજ) સામે ચોરી અને મારામારી સહિતના 22 ગુના નોંધાયેલા છે.

બંને આરોપીઓને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.