Gujarat

મહુધા કન્યા શાળામાં બે ચોટલા ન વાળતી વિદ્યાર્થિનીના શિક્ષિકાએ વાળ કાપતાં વિવાદ

મહુધાની પ્રાથમિક કન્યા શાળાની શિક્ષિકાએ નિયમાનુસાર બે ચોટલાં વાળીને શાળાએ ન આવનાર ધો.8ની વિદ્યાર્થીનીની ચોટલી કાપી નાખતાં ચકચાર મચી છે.

ઘટનાના પગલે વાલીઓ દ્વારા શાળામાં ઉગ્ર વિરોધ કરી શિક્ષિકા વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ઘટના બાદ વિદ્યાર્થીની પણ હેબતાઇ ગઇ છે.

મહુધા તાલુકા મથકે આવેલી પ્રાથમિક કન્યામાં ફરજ બજાવતા સંગીતાબેન નામના શિક્ષિકાએ શાળામાં પ્રાર્થના સમયે શાળાના નિયમ મુજબ વિદ્યાર્થીનીઓ માથામાં તેલ નાખી, બે ચોટલાં વાળીને આવી છે કે તેની ચકાસણી કરવામાં આવી હતી.

દરમિયાન ધોરણ 8 ની એક વિદ્યાર્થીનીએ બે ચોટલાં વાળ્યા ન હોવાથી ઉશ્કેરાયેલાં શિક્ષિકાએ વિદ્યાર્થીનીની ચોટલી કાતર લઇ આવીને કાપી નાખી હતી.

શિક્ષિકાએ ચોટલી કાપતાં વિદ્યાર્થીની રડવા લાગી હતી અને સઘળી હકીકત ઘરે પોતાના વાલીને જણાવી હતી.

જેને પગલે ઘટનાના બીજા દિવસે વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને શિક્ષિકાએ કરેલી હરકત બાબતે ઉગ્ર રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો.

આચાર્ય દ્વારા મામલો ઠંડો પાડવા શિક્ષિકા પાસે માફી પત્ર લખાવી લેવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ભૂલથી થોડા વાળ કપાઇ ગયા: આચાર્ય પ્રાર્થના સભા દરમ્યાન શિસ્તના ભાગરૂપે બાળકોની તપાસ કરાય છે.

જે દરમ્યાન કેટલીક વિદ્યાર્થીનીઓ બે ચોટલાં વાળીને આવી ન હતી.

જેથી બેન દ્વારા કાતરથી વાળ કાપવાની ચિમકી આપવામાં આવી હતી.પરંતુ ભૂલથી કાતરથી થોડા વાળ કપાઈ ગયા હતાં.

જે બાબતે વાલીઓની રજુઆતના પગલે શિક્ષિકા પાસે માફીપત્ર પણ લખાવી લખવાયુ હતું. > કેતન પટેલ, મુખ્ય શિક્ષક

સંપૂર્ણ ઘટનાની તપાસ કરાશે: ઇન્ચાર્જ ટીપીઓ સમગ્ર મામલે તપાસ કરી અહેવાલ વડી કચેરીએ મોકવામાં આવશે અને ઉપલી કચેરીના આદેશ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

આચાર્યના જણાવ્યા પ્રમાણે શિસ્તના ભાગરૂપે કાર્યવાહી કરાઈ છે. > નીરજ પટેલ, ઇન્ચાર્જ ટીપીઓ, મહુધા