Gujarat

50થી વધુ સરકારી વેબસાઇટ પર DDOS એટેક કરનાર 18 વર્ષીય યુવક અને સગીર સામે કાર્યવાહી

થોડા દિવસો પહેલા ઓપરેશન સિંદુર સમયે નડિયાદમાં મીલ રોડ પર કલ્યાણ કુંજની સામે રહેતા 18 વર્ષિય જસીમ શાહનવાઝ અંસારી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે ટેલીગ્રામ ગૃપ બનાવી ભારત દેશની અલગ અલગ વેબસાઇટોને DDOS એટેક દ્વારા ડાઉન કરવાનો પ્રયત્ન કર્યો હતો.

અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરી હતી. આ સાથે તેનો સ્ક્રીનશોટ લઇ તેમાં નીચે ભારત દેશ વિરોધી ઉશ્કેરણીજનક લખાણો એક ટેલીગ્રામ ગૃપમાં મૂક્યા હતા.

ગુજરાત એટીએસની ટીમે 20 મે 2025ના રોજ આ ગેરપ્રવૃત્તિ કરનારા સગીર સહિત 2ને ઉઠાવી કડક પુછપરછ હાથ ધરી હતી.

દરમિયાન આજે આરોપીની તપાસ અમદાવાદ ATS જોડેથી NIAને સોંપવામાં આવી છે. હવેથી આ કેસની તપાસ NIA કરશે.

20 મે 2025ના રોજ ગુજરાત એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે જાણવા જોગ નોંધ કર્યા બાદ સાયબર એટેક મામલે એક યુવક અને અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અંગે બાતમી મળી હતી.

જે બાદ નડિયાદના જસીમ શાહનવાઝ અંસારી તથા અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના મોબાઈલ FSL ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા.

FSL ગાંધીનગરના રિપોર્ટમાં ઉપરોક્ત બાતમીની ખરાઈ થતા જસીમ શાહનવાઝ અંસારી (ઉં.18, અભ્યાસ)ની પુછપરછ કરી હતી.

જેમાં જણાયુ હતું કે, આ જસમી અને અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે ભેગા મળી સાયબર વોર છેડવા અને ભારત સરકારની વેબસાઈટો ટાર્ગેટ કરવાનો અને ભારત સરકાર તથા વિવિધ રાજ્ય સરકારોની વેબસાઈટોને ડાઉન કરવા ડી.ડી.ઓ.એસ. સાયબર ટેરર એટેક કર્યો હતો.

આ શખસોએ મે અને એપ્રિલ માસમાં ભારત સરકાર તથા રાજ્ય સરકારોની વિવિધ 50થી પણ વધારે વેબસાઈટ ઉપર સાયબર એટેક કર્યો હતો. ત્યારબાદ ઇસમો દ્વારા તેના સ્ક્રીનશોટ ટેલીગ્રામ ચેનલ ઉપર પોસ્ટ કરી તેની સાથે ભારત વિરુદ્ધ ઉશ્કેરીજનક લખાણ પોસ્ટ કર્યા હતા.

આ મામલે એટીએસમા ગુનો નોધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ઈસમોની અટકાયત કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.

દરમિયાન આજે આરોપીની તપાસ અમદાવાદ ATS જોડેથી NIAને સોંપવામાં આવી છે.

હવેથી આ કેસની તપાસ NIA કરશે. ગૃહ વિભાગના આદેશથી તપાસ સોંપવામાં આવી છે તેમ જિલ્લા સરકારી વકીલ ધવલભાઈ બારોટે જણાવ્યું છે.