Gujarat

જમીનના તળ ઊંડા ગયાં તો પાલનપુરના કાણોદર ગામના લોકોએ 45 લાખના ખર્ચે પાંચ મોડલ કુવા બનાવી જમીનમાં પાણી ઉતાર્યું

પાછલા કેટલાક વર્ષોથી પાલનપુર તાલુકાના કાણોદર ગામના ખેડૂતો ખેતી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીં 700 ફૂટ પણ જમીનમાં પાણી નથી.

ગામમાં અગાઉ ટ્યુબવેલ માટે જમીનમાં 700 ફૂટ અંદર સુધી ગયા પણ પાણી નીકળ્યું નહી. અહીં અવારનવાર બોર ફેલ જતા ગામની ચિંતા કરતા 60 થી 70 લોકો ભેગા થયા.

અને પાલનપુર ની આજુબાજુ જે ગામોમાં જળસંચય ના કામો થયા તેનો અભ્યાસ કર્યો.

અને કાણોદરમાં પણ વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટેનું નક્કી કર્યું. સૌથી મોટો પડકાર આની પાછળ થનાર ખર્ચનો હતો. સમગ્ર ગામના લોકો સુધી આ બાબતે મેસેજ પહોંચાડવામાં આવ્યો. અને દાન આવવાનું શરૂ થયું.

જેમ જેમ દાન આવતું ગયું તેમ તેમ ગામમાં વરસાદી પાણી જમીનમાં ઊંડા ઉતારવા માટેના મોડલ કુવા બનાવવા માટેનું કામ આગળ વધારતા ગયા.

ઉપસરપંચ ક્લબે અબ્બાસ ભાઈએ જણાવ્યું “ ગામ લોકોએ સૌથી પહેલા પાંચ એવા સ્થળ પસંદ કર્યા જ્યાં સૌથી વધુ વરસાદી પાણી ભરાતું હતું.

અને જ્યાં જુના કુવા આવેલા હતા પરંતુ વર્ષોથી બંધ પડ્યા હતા. આવી પાંચ જગ્યાઓ શોધીને ગામ લોકોએ શ્રમદાન કરીને જાતે ડિઝાઇન કરીને વૈજ્ઞાનિક ઢબે કુવાઓનું નિર્માણ કર્યું.

આ ઉપરાંત 500 ફૂટ ઊંડી 2 બોરવેલ બનાવી જમીનમાં વરસાદી પાણી પણ ઉતારી દીધુ.” સ્થાનિક નઇમ ભાઈએ જણાવ્યું કે “ અમે અત્યારે સુધી તો એક પણ રૂપિયાનો સરકારનો સહકાર લીધો નથી.

પરંતુ અમે અમારો પ્રોજેક્ટ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સરકારના કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત દર્શાવીશું. અમને આશા છે કે સરકાર તરફથી અમને આ દિશામાં સહકાર પ્રાપ્ત થાય.”

અહીંના વિસ્તારમાં 300થી 400 ફૂટ પથ્થર લાગી જાય, જેવું પાણી નીચે જાય એવું જ લેવલ ઊંચું આવે: સરદારભાઈ પટેલ જળસંચય નિષ્ણાત પાલનપુર અને વડગામ તાલુકાના ગામોમાં ભૌગોલિક પરિસ્થિતિ મુજબ 100 થી 450 ફૂટે પથ્થર આવે છે.

પથ્થરના લેયરના કારણે એમ સમજી શકાય કે કુદરતે જેતે ઊંડાઈએ આરસીસી ભરેલા લેયરો બનાવેલા છે તો તેમાં જો પડતર કૂવાને બોર દ્વારા રિચાર્જ કરવામાં આવે તો તે લેયરોથી નીચે પાણી જાય નહીં અને તરત જ પાણીના લેવલ અધ્ધર આવે છે. તે અમે પ્રેક્ટીકલ અનુભવ કર્યો છે.

મોડલ કૂવાની ડિઝાઇન 10 ફૂટની ગોળાઈનો ઘેરાવો 80 ફૂટની ઊંડાઈ વાળો બે બાજુ પાંચ ઇંચ ના ફરમા સાથેનો અને જુદી જુદી ચેમ્બર મળી કૂવાના ફરતે જુદી પાઇપોના સહારે દર વર્ષે 1 કરોડ 30 લાખ લિટર પાણી ભૂગર્ભમાં ઉતરશે.

બોરવેલમાં પણ સ્વચ્છ પાણી જાય તેવી યોજના કાણોદરની મસ્જિદની ઉપરનું 28000 ફૂટ ગાવા ઉપરનું તમામ પાણી 500 ફૂટ ઊંડી બોરવેલમાં વૈજ્ઞાનિક ઢબે ઉતારવા માટે બોરવેલની પાઇપ બહારના ભાગે કાઢી 15 ફૂટનો હોજ બનાવી તેની અંદર વરસાદી પાણી જમા કરી ચળાયેલુ પાણી અંદર જાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.