Gujarat

4 વર્ષથી ABCD લાઈનની દુકાનો આગળ પાણી ભરાવાની સમસ્યા, વેપારીઓની નિરાકરણની માગ

પાલનપુરના મુખ્ય વેપારી વિસ્તાર પંચરત્ન શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની છે.

શોપિંગ સેન્ટરની ABC અને D લાઈનની દુકાનો આગળ વરસાદી પાણી ભરાવાથી વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર વર્ષથી આ સમસ્યા અંગે નગરપાલિકામાં અરજીઓ કરવામાં આવી છે.

પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ કેન્દ્રમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે, જેમને પણ વરસાદી પાણીને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અગાઉ એક વખત રજૂઆત આવી હતી.

ત્યારે કર્મચારીઓ મોકલીને પાણીનો નિકાલ કરાવવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં પણ જો પાણી ભરાયેલું હશે તો તેનો નિકાલ કરવામાં આવશે.

વેપારીઓની માગણી છે કે નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું કાયમી સમાધાન લાવવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન તેમના વ્યવસાયને નુકસાન ન થાય.