Gujarat

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા જાહેર કરાયા

શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ આ પદ ખાલી પડતા કોંગ્રેસે ફરી એકવાર અમિત ચાવડા પર વિશ્વાસ મુક્યો

સાંસદ શક્તિસિંહ ગોહિલના ગુજરાત કોંગ્રેસ પ્રમુખપદ પરથી રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું. કોંગ્રેસ હાઈકમાન્ડે અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફારોને આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત અને સંગઠિત બનાવવાની કવાયત તરીકે જાેવામાં આવી રહ્યા છે.

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના એક જાણીતો ચહેરો છે અને અગાઉ ૨૦૧૮થી ૨૦૨૧ દરમિયાન તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની ફરીથી પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ પક્ષમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે તેવી આશા સેવવામાં છે. અમિત ચાવડા જમીની સ્તરે કાર્યકરો સાથે સીધા સંપર્કમાં છે અને ગુજરાતના રાજકારણનો તેમને ઊંડો અનુભવ છે. તેમની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ સંગઠનને મજબૂત કરવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે સક્રિય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા.

તો બીજી તરફ તુષાર ચૌધરી યુવા નેતા તરીકે જાણીતા છે. ચૌધરી વિધાનસભામાં સરકારને જનતાના પ્રશ્નો પર ઘેરવા અને વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા અસરકારક રીતે ભજવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેમની નિમણૂકથી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષની રણનીતિને નવી દિશા મળશે તેવી આશા છે.