Gujarat

20 ગામના 1 લાખ લોકોને સ્થાનિક કક્ષાએ મળશે આરોગ્ય સેવા, મંત્રી રાઘવજી-સાંસદ પૂનમબેન ઉપસ્થિત

જામનગર તાલુકાના જાંબુડા ખાતે રૂ.4.57 કરોડના ખર્ચે નિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આ સુવિધાનું ઉદ્ઘાટન કરાયું છે.

આ આરોગ્ય કેન્દ્ર જાંબુડા સહિત આસપાસના 20 ગામોના અંદાજે એક લાખ નાગરિકોને સ્થાનિક કક્ષાએ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. મંત્રી રાઘવજીભાઈએ જણાવ્યું કે જાંબુડા સાંસદ આદર્શ ગ્રામ હોવાથી આ પ્રોજેક્ટની મંજૂરી સરળતાથી મળી. તેમણે સગર્ભા, પ્રસુતા, વૃદ્ધો અને બાળકોના આરોગ્યની કાળજી માટે સરકારના આયોજનની વાત કરી હતી..

સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે જાંબુડાને સાંસદ આદર્શ ગ્રામ તરીકે સ્વીકાર્યા પછી ગામનો સર્વાંગી વિકાસ તેમની પ્રાથમિકતા રહી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગામડાઓમાં પાયાની સુવિધાઓ વધારવા પ્રયાસો થઈ રહ્યા છે.

મંત્રીએ જણાવ્યું કે ભવિષ્યમાં તાલુકા કક્ષાએ કિમોથેરાપી અને ડાયાલિસિસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. તેમણે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ મળતી વિનામૂલ્યે આરોગ્ય સેવાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે રૂ.4.31 કરોડના ખર્ચે જાંબુડા ખાતે નિર્માણ પામેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા સાથે જનરલ ઓપીડી, એક્સ-રે રૂમ, સોનોગ્રાફી રૂમ, ડ્રેસિંગ રૂમ, લેબર રૂમ, લેબોરેટરી, ઓપરેશન થિયેટર, મેલ વોર્ડ રૂમ, ફીમેલ વોર્ડ રૂમ, પોસ્ટ ઓપરેશન રૂમ, આઈસોલેશન રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.