Gujarat

પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

બેઠકમાં પ્રોપર્ટીકાર્ડ, મનરેગા, આવાસ યોજના અને પાણી પુરવઠાના પ્રશ્નો ચર્ચવામાં આવ્યા. વીજ કાપ, નવા વીજ જોડાણ, રસ્તાની મરામત અને બિન ખેતી શરતભંગ જેવા મુદ્દાઓ પણ ચર્ચાયા. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આ પ્રશ્નોના નિવારણ માટે સૂચનાઓ આપી.

જનપ્રતિનિધિઓએ પીવાના પાણીના ક્લોરિનેશન અને આરોગ્ય સુવિધાઓ અંગે પણ રજૂઆત કરી. કલેક્ટરે તમામ પડતર અરજીઓનો ઝડપી નિકાલ લાવવા અધિકારીઓને તાકીદ કરી.

બેઠકમાં રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર હાજર રહ્યા. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલ અને અધિક નિવાસી કલેક્ટર જે.જે.પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

આ બેઠકમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં ખાસ કરીને જિલ્લામાં નવા મોડેલ ફાર્મ બનાવવા અંગે, મિશન હેઠળના ક્લસ્ટરમાં ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમને તાલીમ આપવા અંગે, પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવા અંગે અને B.R.C. યુનિટ પરથી ખેડૂતોને જીવામૃતનું વિતરણ સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લામાં કાર્યરત સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને પણ પ્રાકૃતિક કૃષિ પ્રવૃત્તિઓમાં જોડવા અને તેમને પ્રોત્સાહિત કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.