Gujarat

મહિલાનું મકાન ખાલી કરાવવા રેસ્ટોરન્ટમાં 15ના ટોળાએ તોડફોડ કર્યાના CCTV, શહેર ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપી પાડ્યા

રાજકોટના રૈયા રોડ પર નહેરૂનગર વિસ્તારમાં 13 જુલાઈની મોડી રાત્રે ફૌજી રેસ્ટોરન્ટમાં માથાભારે શખસો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જોકે, તંગદિલી ભર્યો માહોલ સર્જાતા ગાંધીગ્રામ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને LCB સહિતની ટીમોના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા અને 15 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેમાં આજે 19 જુલાઈના રોજ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલો આરોપી અહેમદ સાંધ રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના યુવા મોરચાનો પૂર્વ ઉપપ્રમુખ છે.

રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર આવેલા નહેરૂનગર વિસ્તારમાં રહેતી 39 વર્ષીય રોજીના સૈયદ નામની મહિલાએ રાયોટિંગ, મારામારી સહિતની કલમ હેઠળ અહેમદ સાંધ, ઈસુ ડાડો, અજિત ઉર્ફે ટકો, સદામ દલવાણી, ફારૂક શેખ તેમજ તેની સાથે આવેલા અજાણ્યા શખસો વિરૂદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.

જેના આધારે આજે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુખ્ય આરોપી અહેમદ સાંધ (ઉ.વ. 40), ફારૂક શખે (ઉ.વ. 56) અને યુસુફ ઉર્ફે ઇસુ ડાડો સાંધ (ઉ.વ. 55) સહિતના આરોપીની ધરપકડ કરી ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવ્યા છે. તમામ આરોપીને આજે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.