રાજકોટ મહાનગરપાલિકા ખાતે મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.
રાજકોટ શહેર તા.૨૦/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચરી ખાતે પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રસ્તા, બ્રિજ તેમજ અન્ય કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આજની આ સમીક્ષા બેઠકમાં માનનીય પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર નયનાબેન પેઢડીયા, સાસંદ સભ્ય રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS), ચેતન નંદાણી, હર્ષદ પટેલ, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનઓ, કોર્પોરેટરઓ, મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં માનનીય પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલએ કહ્યું હતું કે, રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સુચના અનુસાર હાલ રાજ્યમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા લોકોના પ્રશ્નોનો યુધ્ધના ધોરણે નિકાલ થાય તે બાબતે કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર આ બાબતે સમયાંતરે સમીક્ષા કરી રહી છે. રાજકોટમાં પણ મહાનગરપાલિકા દ્વારા રસ્તા, વરસાદી પાણીનો નિકાલ, જર્જરિત ઈમારતો વગેરે બાબતો અંગે ગંભીરતા પૂર્વક કામગીરી થઇ રહી છે અને ભવિષ્યમાં પણ બનતી ત્વરાએ લોકપ્રશ્નોનું નિરાકરણ થતું રહે તે સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે. વરસાદીના પાણીના નિકાલ માટે તેમજ આવી સમસ્યાઓનો કાયમી ઉકેલ આવે તે દિશામાં આયોજન કરવું જરૂરી છે. માનનીય પ્રભારી મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બી.યુ.પરમીશન અને ઇમ્પેક્ટ ફીની અરજીઓનો ઝડપથી નિકાલ સુનિશ્ચિત કરે તે પણ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરમાં રાજ્ય સરકાર કક્ષાના જે મુદ્દાઓ હોય તેનો ઝડપથી ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં આવશે. આ બેઠકમાં નગરસેવકઓએ રસ્તા, પાણી, આવાસ, નવા બ્રિજ વગેરે બાબતો વિશે આવશ્યક કામગીરી કરવા અંગે તંત્રને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસ અને નેશનલ હાઈ-વે ઓથોરીટી સંબંધિત રસ્તાના પ્રશ્નો અંગે માનનીય પ્રભારી મંત્રીને માહિતગાર કર્યા હતા. બેઠક દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા બ્રિજ, આંગણવાડી, મનપાની ઇમારતો, આરોગ્ય કેન્દ્રો, વોર્ડ ઓફિસો, ફાયર સ્ટેશનો, આવાસ યોજના, લાઈબ્રેરીઓ, ખાનગી બિલ્ડીંગો, વિવિધ રોડ અને વોટર મેનેજમેન્ટ યુનિટ અંગે અહેવાલો રજૂ કર્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


