Gujarat

મંત્રી પરશોત્તમ સોલંકીના પ્રેરણાથી નવનિયુક્ત સરપંચોને પ્રશસ્તિપત્ર અને ઘડિયાળ અર્પણ કરાઇ

ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે વિધાનસભા-103 ભાવનગર ગ્રામ્યના 121 નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરશોત્તમભાઈ સોલંકીની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં સરપંચોને પ્રશસ્તિપત્ર અને ઘડિયાળ અર્પણ કરવામાં આવી હતી.

રાજ્યના યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ સરપંચોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે “સુવિધા શહેરની અને આત્મા ગામડાનો” સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે સરપંચોને અપીલ કરી હતી.

દિવ્યેશભાઈએ સરપંચોને વિકાસની તંદુરસ્ત હરીફાઈ યોજવા જણાવ્યું હતું. સ્વચ્છતા, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓને પ્રાથમિકતા આપવા સૂચન કર્યું હતું. મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના માર્ગદર્શનની જરૂર પડે ત્યારે મદદ કરવાની ખાતરી આપી હતી.

કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, અગ્રણીઓ ભરતભાઈ મેર, રાજેશભાઈ ફાળકી, રણછોડભાઈ, આણંદભાઈ ડાભી, નારૂભાઈ આહિર સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.